Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અમેરિકાની ખુલ્લી ધમકી : રશિયા પાસેથી ભારત આધુનિક મિસાઈલો ખરીદશે તો ભારતને મદદ નહિં કરે

છેલ્લા ૧૦ વર્ષમાં ભારત - રશિયા વચ્ચે ૧૮ અબજ ડોલરના સોદા થયા : અમેરિકાના પેટમાં તેલ રેડાયુ

વોશિંગ્ટન, તા. ૧૫ : અમેરિકાએ ભારત-રશિયાના સંરક્ષણ સોદાના સંદર્ભમાં મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે જો ભારત રશિયા સાથે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦નો સોદો કરશે તો અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે મદદ દ્યટાડી દેશે.

અમેરિકા-ભારત વચ્ચે સંબંધો સતત મજબૂત બની રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારતનો અમેરિકા અને અમેરિકન કંપનીઓ ઉપર આધાર વધ્યો છે. એ દરમિયાન અમેરિકાએ રશિયા સાથે ભારતના મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ના સોદા બાબતે વાંધો ઉઠાવ્યો છે.

ટ્રમ્પ સરકારના સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારી એલિસ વેલ્સે જણાવ્યું હતું કે જો અમેરિકા ભારતની તમામ પ્રકારની સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાત પૂરી કરવા તૈયાર છે, પરંતુ બદલામાં ભારતે રશિયા સાથેના એસ-૪૦૦ના સોદા બાબતે ફેરવિચારણા કરવી પડશે. કારણે આ સોદો ભારત-અમેરિકાના મજબૂત થઈ રહેલાં સંબંધોમાં અવરોધ ખડો કરે છે.

અમેરિકાએ ભારત-રશિયાના સંરક્ષણ સોદા બાબતે હિસાબ આપતા કહ્યું હતું કે ભારત-રશિયા વચ્ચે છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૮ અબજ ડોલરના સંરક્ષણ સોદા થયા છે. જો ભારતે અમેરિકાની સંરક્ષણ ક્ષેત્રે સહાય મેળવવી હશે તો રશિયા ઉપર આધારિત રહેવાનું બંધ કરવું પડશે.

રશિયા સાથે અમેરિકાના સંબંધો તંગ બન્યા છે એટલે અમેરિકા સતત ભારત-રશિયાના સંબંધો મુદ્દે અવરોધ ખડા કરે છે. ભારતે રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદવાની તૈયારી કરી તે સાથે જ અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.

(11:47 am IST)