Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સોમવારથી સંસદનું સત્રઃ હંગામાના એંધાણઃ EVMનો મુદ્દો ઉછળશે

મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારની થશે પરીક્ષાઃ પ્રથમ બે દિવસ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશેઃ ૨૦મીએ રાષ્ટ્રપતિ બન્ને ગૃહોની સંયુકત બેઠકને સંબોધશેઃ સત્ર કુલ ૪૦ દિવસ ચાલશેઃ ૫ જુલાઈએ પૂર્ણ બજેટઃ ૪ જુલાઈએ આર્થિક સર્વેક્ષણઃ સત્ર દરમિયાન ૩૦ બેઠકો યોજાશે

નવી દિલ્હી, તા. ૧૫ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારને સોમવારથી શરૂ થયેલા સંસદના સત્રમાં વિપક્ષના તીખા પ્રહારોનો સામનો કરવો પડશે. ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો ઈવીએમના મુદ્દાના સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.

 

વિપક્ષોને આશંકા છે કે ભાજપની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પાછળ ચૂંટણી પંચ અને ઈવીએમએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે, ચૂંટણી પંચના આંકડા સાથે વિપક્ષો સંમત નથી. ઈવીએમના મુદ્દે કોંગ્રેસ હજુ સુધી કોઈ સીધો પ્રહાર નથી કર્યો પરંતુ પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાયબરેલીની મુલાકાત દરમિયાન ઈવીએમનો ઉલ્લેખ કર્યા વગર ઈશારામાં કહ્યુ હતુ કે, ભાજપે ચૂંટણી કઈ રીતે જીતી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ સંસદમા હંગામા બાદ આ મુદ્દાને ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ પાસે લઈ જવાની તૈયારીમાં છે. તેઓની માંગણી છે કે હવે પછીની ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ. આ મુદ્દે કોંગ્રેસ જ નહી પરંતુ મમતા, માયાવતી, અખિલેષ, ચંદ્રાબાબુ સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.

મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ ૫મી જુલાઈએ રજુ થશે. નાણામંત્રી સીતારામન ૫મીએ ૨૦૧૯-૨૦નું પૂર્ણ બજેટ રજુ કરશે. આર્થિક સર્વેક્ષણ સંસદમાં ૪થી જુલાઈએ રજુ થશે. જેમાં દેશની અર્થવ્યવસ્થાની તસ્વીર રજૂ થશે. સામાન્ય બજેટમાં જ રેલ્વે બજેટનો સમાવેશ કરી લેવાયો છે.

આ સત્ર ૨૬ જુલાઈ ૨૦૧૯ સુધી ચાલશે. રાજ્યસભાનું સત્ર ૨૦ જુનથી શરૂ થઈ ૨૬ જુલાઈ સુધી ચાલશે. આ સત્ર ૪૦ દિવસ ચાલશે અને ૩૦ બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ દરમિયાન નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ ૨૦ જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનને સંબોધીત કરશે જે પછી તેમના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે.

(9:39 am IST)