Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કરન્ટ ખાતામાં પુરતા પૈસા હોવા છતાં ચેન્નઇમાં બેંક ઓફ બરોડાઅે ચેક રિટર્ન કરતા ગ્રાહક સુરક્ષા દ્વારા ૧૦ લાખની રકમ ચૂકવવા બેંકને આદેશ

ચેન્નઇઃ ચેન્નઇની બેંક ઓફ બરોડા દ્વારા બેંક અેકાઉન્‍ટમાં પૂરતા પૈસા હોવા છતાં ચેક રિટર્ન કરતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ બાદ ગ્રાહકને ૧૦ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

બેંક ઑફ બરોડાએ સાત વર્ષ અગાઉ અકાઉન્ટમાં પૈસા હોવા છતાં એમ કહીને એક ગ્રાહકનો ચેક પરત કર્યો હતો કે તેમના ખાતામાં પૂરતા રૂપિયા નથી. ત્યારે બિઝનેસમેન એમ રાજેશ કુમારે ગ્રાહક સુરક્ષા ખાતામા બેંક વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં અરજી કરી હતી. 11 નવેમ્બર 2011ના રોજ કરવામા આવેલી અરજી મુજબ પોતાના બિઝનેસના પેમેન્ટ તરીકે તેણે રેડિંગટન ઇન્ડિયા કંપનીના નામે 7.09 લાખ રૂપિયાનો ચેક ઇસ્યૂ કર્યો હતો.

જો કે બેંકે એમ કહીને આ ચેક રિજેક્ટ કરી દીધી હતો કે એમ રાજેશ કુમારના ખાતામાં પૂરતા પૈસા નથી. અરજદાર મુજબ, તેમના કરન્ટ ખાતામાં પૂરતા પૈસા હોવા છતાં બેંકે આવું કર્યું. જો કે એટલેથી આ કિસ્સો અટક્યો નહીં અને બેંકે ફરી વખત રાજેશ કુમારના ચેકમાં આવો ગોટાળો માર્યો. બીજા કિસ્સામાં 9 ડિસેમ્બરે રાજેશ કુમારે રેડિંગટન ઇન્ડિયા માટે જ ઇસ્યૂ કરેલ બીજો 1.3 લાખનો ચેક પણ રિજેક્ટ કરી દીધો હતો.

રાજેશ કુમારે પોતાની અરજીમાં નોંધ્યું કે બેંકે પોતાના આ એક્શન અંગે કંઇ કારણ ન દર્શાવ્યું હોવાથી આખરે ગ્રાહક સુરક્ષાની મદદની જરૂર પડી છે. પોતાની અરજીમાં રાજેસ કુમારે કહ્યું કે બેંકના આ પગલાના કારણે તેના બિઝનેસે અસર પહોંચી છે અને તેની કંપનીની પ્રતિષ્ઠાને પણ હાની પહોંચી છે. બેંકના આ વ્યવહારથી માનસિક રીતે ત્રસ્ત થયેલા કુમારે 25 લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું.

અંતિમ સુનાવણી માટે જસ્ટિસ ડૉ. એસ તમિલવનન અને કે બસકરનની બેન્ચ સમક્ષ અરજી આવી હતી. ગ્રાહક સુરક્ષાએ બેંકને આદેશ આપ્યો કે તેઓ ગ્રાહક એમ રાજેશ કુમારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવે. ઉપરાંત બેંકને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. એક મહિનામાં 10 લાખ 10 હજાર રૂપિયા ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

(6:32 pm IST)