Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભોપાલનો અનોખો કિસ્સો

મારો પતિ દાઢી નથી કરતોઃ ન્હાતો પણ નથીઃ પત્નીની ફરિયાદઃ માંગ્યા છુટાછેડા

ભોપાલ, તા.૧૩: મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શેવિંગ ન કરતા અને સ્નાન ન કરતા પતિથી કંટાળી જઈને એક મહિલાએ કોર્ટમાં અરજી કરીને તલાકની માગ કરી છે. ૨૫ વર્ષના યુવાન અને ૨૩ વર્ષની યુવતીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા છે. ભોપાલ ફેમિલી કોર્ટના કાઉન્સેલર શૈલી અવસ્થીઓ શુક્રવારે આ કેસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દંપતિએ આંતરિક સમજૂતીથી કોર્ટમાં અરજી કરી છે.

કોર્ટના જજ આર.એન. ચંદે આદેશ આપ્યા હતા કે, તેમને તલાક જોઈતો હોય તો છ મહિના સુધી બંનેએ અલગ અલગ રહેવું પડશે. જજ શૈલી અવસ્થીએ જણાવ્યું હતું કે, મહિલાએ જણાવ્યું હતું કે, સતત ન ન્હાવાને કારણે તેમના શરીરમાંથી દુર્ગંધ આવે છે. જયારે તેને સ્નાન કરવાનું કહેવામાં આવે છે ત્યારે તે કપડાં પર અત્ત્।ર લગાવી દે છે અને બોડીસ્પ્રે કરી દે છે. જજે ઉમેર્યું હતું કે, આ એક મહિના જૂનો કેસ છે. છ મહિના બાદ આ કેસમાં કાયદેસર પગલાં ભરાશે. એટલે કે વિધિવત તલાક થઈ જશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ દંપતિના ઈન્ટરકાસ્ટ મેરેજ હતા. છોકરો સિંધી છે જયારે છોકરી બ્રાહ્મણ છે. છોકરો વ્યાપાર કરે છે. લગ્ન બાદ જયારે છોકરી સાસરિયામાં ખાવા-પીવા અને માહોલમાં સેટ થઈ રહી હતી ત્યારે તેણે સેટ થવાના અનેક પ્રયત્નો કર્યા હતા પણ થઈ ન શકી. આ સિવાય ભવિષ્ય માટે પતિ પૈસા પણ ભેગા કરતો નથી તેથી આ સમસ્યાથી તે છૂટવા માગે છે અને આ કારણે તેણે તલાક માટે અરજી કરી હતી.

અગાઉ જાન્યુઆરી મહિનામાં બિહારની પટણા કોર્ટ સામે આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો. પત્ની વારંવાર વાળ-દાઢી કટ કરાવવાનું કહેતા પતિથી કંટાળીને તેણે છૂટાછેડીની અરજી કરી હતી. જોકે, આ કિસ્સાથી સમગ્ર પટણામાં ખૂબ ચર્ચા જાગી હતી.

(11:35 am IST)