Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાશ્મીરમાં હવે હાઇવે પર જાનવરોની આવન-જાવન પર પ્રતિબંધ

જમ્મુથી કાશ્મીર અને પહાડો તરફ જવાની ગુજ્જરોની રોજી છીનવાશેઃ મહેબુબા મુફતીએ કર્યો વિરોધ

જમ્મુ તા. ૧૩ :.. અઠવાડીયામાં બે દિવસ જમ્મુ - શ્રીનગર નેશનલ હાઇવે પર માણસોને ચાલવા પર મુકાયેલ પ્રતિબંધનો ડખો શમ્યો નથી ત્યાં હવે રાજયપાલ પ્રશાસને આ હાઇવે પર જાનવરોની અવર જવર પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ એવા જાનવરો પર મુકાયો છેજે ગુજ્જર સમાજની રોજી રોટી છે અને ગરમીના કારણે પહાડો તરફ જવા માગે છે.

સુરક્ષા દળોના કાફલાની સુરક્ષા માટે હાઇવેને અઠવાડીયામાં બે દિવસ નાગરીકો માટે બંધ રાખવાના નિર્ણય પછી રાજય પ્રશાસને વિચરતી જાતીમાં આવતા ગુજ્જર સમુદાય પર માલઢોર લઇને જમ્મુથી કાશ્મીર અને પહાડો તરફ જવા પર પ્રતિબંધ મુકી દીધો છે.  ભુતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફતીએ આ નિર્ણયનો વિરોધ કરીને રાજયપાલ મલિક સાથે ચર્ચા પણ કરી છે.

રાજયમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હાઇવે પર કોઇ પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં સંકટ ઉભુ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખતા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આ લોકોને પોતાના ઢોર અને માલ સાથે પગપાળા ઉધમપુરથી આગળ હાઇવે પર જવાની મનાઇ ફરમાવી છે. આ બાબતે જયારે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે મૌનધારણ કરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે વિચરતી જાતીમાં આવતા ગુજ્જર-બક્કરવાલ સમાજ ગાય - ભેંસ, ઘેટા બકરા અને ઘોડાઓ પાળે છે. તેઓ ઉનાળાની શરૂઆતમાં માર્ચ મહીનાના અંત ભાગમાં જમ્મુના મેદાની વિસ્તારોમાંથી જમ્મુ ક્ષેત્રના પહાડી વિસ્તારો અને કાશ્મીર ખીણ તરફ ચારા માટે પ્રસ્થાન કરે છે. ઓકટોબર માસના અંતમાં તેઓ ફરીથી મેદાની વિસ્તારોમાં પાછા ફરે છે.

ભુતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટીક પાટીના પ્રમુખ મહેબુબા મુફતીએ આ મામલાને રાજકીય રંગ આપતા કહયું કે જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસન એક પછી એક લોક વિરોધી અને અન્યાયી નિર્ણયો લઇ રહયું છે. ગુજ્જર સમુદાયને ચૂંટણી પુરી થાય ત્યાં સુધી રોકવાનું પગલું સંવેદન હીન અને ખોટું છે. એ લોકો ચૂંટણી પુરી થાય ત્યાં સુધી રાહ ન જોઇ શકે.

(11:28 am IST)