Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

તાલાલા (ગીર)માં ૩.૫ની તિવ્રતાનો ભૂકંપઃ ર આંચકાથી ૧૦૦ મકાનોમાં તિરાડોઃ કચ્છમાં પણ ધરા ધ્રુજી

મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં રાપર, ભચાઉમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા

તસ્વીરમાં ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનમાં તિરાડો પડી ગઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ દિપક ક્કકડ વેરાવળ)

રાજકોટ તા.૧૩: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં ૩.પ અને ર.૦ ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ જેટલા મકાનોમાં તિરાડો પડી ગઇ હતી.

ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (ગીર) માં ૩.પ ની તિવ્રતાના તથા કચ્છમાં ર.૧ની તિવ્રતાના આંચકા આવતા લોકો સફાળા જાગી ગયા હતા રાત્રીના ૧૨ વાગ્યાના વહેલી સવારના પ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના ૪ આંચકા અનુભવાયા હતા.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, કાલે શુક્રવારે મોડી રાત્રીનાં ૧૨.૦૭ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા (ગીર)માં ૩.પની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તાલાલા (ગીર)થી દક્ષિણ દિશા તરફ ૧૬ કિ.મી. દૂર હતું.

જયારે વહેલી સવારે પ.૧૫ વાગ્યે ફરી વખત તાલાલા (ગીર)માં ર.૦ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તાલાલા (ગીર)થી ૩૧ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ હતું.

આ ઉપરાંત કચ્છના ભચાઉમાં રાત્રીના ૧૨.૪૬ વાગ્યે ર.૧ની તિવ્રતાનો ભૂકપંનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી ર૦ કિ.મી. દૂર હતું.

જયારે રાત્રીના ર.૧૭ વાગ્યે કચ્છના રાપરમાં ર.૯ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૭ કિ.મી. દૂર ઉત્તર દિશા તરફ હતું.

ભૂકંપના આંચકાથી લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા હતા.

વેરાવળ

વેરાવળનાં પ્રનિનિધિ દિપક કક્કડનાં અહેવાલમાં જણાવ્યું છે કે આ ભૂકંપની રામપરા, ભેટાળી, કોડીદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાચા-પાકા ૧૦૦ જેટલાં મકાનમાં તિરાડો પડી છે. અને લોકો આખી રાત ઘરની બહાર રહ્યા હતા.

આ ઉપરાંત સોમનાથ, પ્રભાસ પાટણના વિસ્તારોમાં પણ હળવી ધ્રુજારી અનુભવાઇ હતી.

તાલાલાથી ૧૬ કિલોમીટર દૂર ઉતર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ મળી આવ્યું છે. આ ભૂકંપના આંચકાની અસર કચ્છ સુધી થઇ છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ તાલાળા નજીક આવેલા હિરણવેલ ગામમાં થોડા સમય પહેલાં ખૂબ જ આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથમાં ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય હોવાનું તારણ નિકળતા ત્યાં સિસ્મોગ્રાફ યંત્ર પણ મૂકવામાં આવ્યું હતુ. રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાઓથી લોકો સફાળા જાગી  ગયા હતા.

(11:26 am IST)