Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સિંઘમની ઇમેજ ધરાવનાર હિમાંશુ રોયઅે આપઘાત કરતા પહેલા બધા સગા-સંબંધીઓને મળી બધાને ગળે મળ્યાઃ હું તમને બધાને પ્રેમ કરૂં છું તેમ પણ કહ્યું

મુંબઇઃ મુંબઈના ખૂબ જ કડક મિજાજી પોલીસ ઑફિસર હિમાંશુ રૉયની આત્મહત્યા બધા લોકોને આશ્ચર્યમાં મૂકનારી ઘટના છે. કેન્સર સામે ઝઝૂમી રહેલા રૉયે મ્હોંમાં રિવૉલ્વર મૂકીને શુક્રવારે બપોરે પોતાને ગોળી મારી લીધી હતી. ડિપાર્ટમેન્ટમાં સિંઘમની ઈમેજ ધરાવનારા આ દબંગ અધિકારીના સંબંધીઓના નિવેદન એ વાત તરફ ઈશારો કરી રહ્યાં છે કે, રૉયે ઘણું પહેલેથી આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.

રૉયના પરિવારના લોકો અનુસાર, ‘ સપ્તાહમાં રૉયે મુંબઈના પોતાના બધા મિત્રો અને પરિવારના લોકોને બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે હું તમને બધાને પ્રેમ કરું છું અને તમને બધાને હગ કરવા માગું છું.

પોતાની છ લાઈનની સ્યુસાઈડ નોટમાં તેમણે કેન્સર વિરુદ્ધની પોતાની લડાઈ વિશે લખ્યું. સાથે જ તેમણે એમ પણ લખ્યું કે, તેઓ પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ગણાવવા માગતા નથી.

હિમાંશુ રૉયે જે સમયે આત્મહત્યા કરી, તે સમયે તેમની પત્ની ભાવના લિવિંગ રૂમમાં હતી. કફ પરેડ પોલીસ અનુસાર બપોરે 1 વાગ્યે ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ નરીમન પૉઈન્ટના સુરુચિ અપાર્ટમેન્ટ સ્થિત તેમના ઘરે પહોંચી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘હિમાંશુ રૉય ખુરશી પર બેઠાં હતા. ત્યારે જ તેમણે રિવૉલ્વર પોતાના મ્હોંમાં નાખી આત્મહત્યા કરી લીધી. તેમને પત્ની તેમને પોતાના ડ્રાઈવર્સની મદદથી બૉમ્બે હોસ્પિટલ લઈ ગઈ પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

બૉમ્બે હોસ્પિટલમાં રૉયની બોડીનું નિરીક્ષણ કરનારા ડૉક્ટર અનુસાર ગોળીનો ઘા બરાબર તેમના માથાની ઉપર દેખાઈ રહ્યો હતો. બૉમ્બે હોસ્પિટલના કન્સલટન્ટ ફિઝિશિયન ડૉક્ટર ગૌતમ ભણસાલી અનુસાર, ‘જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યાં સુધી તેમનું મૃત્યું થઈ ચૂક્યું હતું. તેઓ પોતાના હર્યાભર્યા શરીરની સરખામણીમાં ખૂબ જ નબળા દેખાઈ રહ્યાં હતા. તેમની દાઢી પણ વધેલી હતી.

હિમાંશુ રૉયના નજીકના મિત્ર અને 2011થી 12 સુધી મુંબઈના પોલીસ કમિશનર રહેલા અરુપ પટનાયકે તેમને યાદ કરતા કહ્યું કે, ‘હિમાંશુ કેન્સર વિરુદ્ધની પોતાની લડાઈ ખૂબ જ જુસ્સા સાથે લડી રહ્યાં હતા અને મારા માટે એ વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે, તેમણે આત્મહત્યા કરી લીધી. હું હિમાંશુને હંમેશા એક શાનદાર દોસ્ત, એથલિટ અને ફિટનેસ માટે ક્રેઝી માણસ તરીકે યાદ કરીશ. હિમાંશુ એક પારંપારિક કોલાબાનો છોકરો હતો, લોકો તેના રૉય સરનેમને કારણે તેને બંગાળી સમજતા હતા. તેના પિતા પિતા પણ મુંબઈના જાણીતા ડૉક્ટર હતા અને તેમનો પરિવાર વર્ષો પહેલા ગુજરાતથી આવ્યો હતો. 3 મહીના પહેલા જ જ્યારે મારી તેની સાથે મુલાકાત થઈ તો તેમણે મને એક્સપર્ટ પાસેથી સલાહ લેવા અંગે જણાવ્યું હતું.

પટનાયક કહે છે કે, ‘એક પોલીસ અધિકારી તરીકે હિમાંશું કદાચ સર્વશ્રેષ્ઠથી પણ આગળના અધિકારી હતા. જે રીતે પોલિટીકલ પ્રેશરમાં તેમણે પલ્લવી પુરકાયસ્થ અને પત્રકાર જેડે મર્ડર કેસ સૉલ્વ કર્યા તે અભૂતપૂર્વ છે. મારી નજરમાં તે ખૂબ જ બુદ્ધિમાન પણ દરેક બારીક વસ્તુ પર નજર રાખનારા અધિકારી હતા. દબાણમાં પણ હસતા-હસતા મને કેસ ડિટેઈલ્સ આપતા હતા.

(8:23 pm IST)