Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

તમને ઉપમુખ્યમંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છેઃ અમીતભાઇ શાહના ૧પ મિસ્ડ કોલ બાદ કવિન્‍દ્ર ગુપ્તાઅે સામેથી ફોન કરતા સરપ્રાઇઝ મળી

નવી દિલ્‍હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોઈ વ્યક્તિને ફોન કરે અને તે રિસીવ ન કરે આવું બની જ ન શકે. ખાસ કરીને જ્યારે આ વ્યક્તિ ભાજપનો જ નેતા હોય તો આ વાતની કલ્પના પણ ન કરી શકાય. પરંતુ આવું બન્યું છે અને તે પણ એક-બે નહીં પરંતુ પંદર વખત. આ તે જ 15 મિસકોલ છે જેણે ભાજપના એક નેતાને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવી દીધા.

હકીકતમાં આ ઘટના જમ્મૂ કાશ્મીરના નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તા સાથે બની છે. તેમની પોલિટિકલ કરિયરમાં આવેલા ફેરફારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના 15 મિસકોલની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અમિત શાહ કવિન્દ્ર ગુપ્તાને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવાની સૂચના આપવા માટે સતત ફોન કરતા રહ્યા. પરંતુ કવિન્દ્ર ફોન રિસીવ નહોતા કરી રહ્યા.

અમિત શાહ સતત ફોન કરી રહ્યા હતા અને કવિન્દ્ર ગુપ્તા ફોન નહોતા રિસીવ કરી રહ્યા. તેની પાછળ એક મોટું કારણ હતું કે તે સમયે તેમનો મોબાઈલ ફોન ચાર્જિંગ પર હતો. એવામાં તે અમિત શાહનો ફોન ન ઉપાડી શક્યા. શુક્રવારે જમ્મુના કેએલ સહગલ હોલમાં પોતાનો અનુભવ જણાવતા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષના 15 મિસ કોલ જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. એવામાં તેમણે જ્યારે કોલબેક કર્યો તો કોઈએ પૂછ્યું કે તમે ફોન કેમ નહોતા રિસીવ કરી રહ્યા, લો રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વાત કરો.

કવિન્દ્રએ જણાવ્યું કે અમિત શાહે તેમને સૂચના આપી કે તમને ઉપમુખ્યમંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે, આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો. કવિન્દ્રએ જણાવ્યું કે તેમને વિશ્વાસ ન થયો. ફોન પર પહેલા કોણે વાત કરી હતી, આ જાણવા માટે તેમણે ફરીથી કોલ કર્યો તો સામેથી જવાબ આવ્યો કે હું અમિત શાહ બોલી રહ્યો છું.

પોતાનો અનુભવ જણાવતા તેમણે કહ્યું કે પોલિટિકલ કરિયરમાં તેમણે પુરી નિષ્ઠા સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું, 2008માં જમ્મુ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રની સીટ માટે તેઓ સૌથી પ્રબળ દાવેદાર હતા. જ્યારે મને સીટ ન મળી તો મેં તેને પાર્ટીનો નિર્ણય માનીને સ્વીકારી લીધો.

ઉપ-મુખ્યમંત્રી કવિન્દ્ર કહે છે કે જ્યારે બંને જર્મની એક સાથે થઈ શકે છે, દક્ષિણ કોરિયામાં વાતચીત શરૂ થઈ શકે છે, તો ભારત અને પાકિસ્તાન મળીને અખંડ ભારત કેમ નથી બનાવી શકતા. ઉપમુખ્યમંત્રીએ આ સંકેત શુક્રવાર જમ્મૂમાં આપ્યો. તેમણે કહ્યું કે, એક દિવસ એવો આવશે, જ્યારે અખંડ ભારતનું નિર્માણ થશે. સીમા પર કાયમી શાંતિને સમયની માગ બતાવતા બંને દેશો વચ્ચે કાયમી સંઘર્ષ વિરામ થવો જોઈએ. તેનાથી શાંતિ કામય થશે.

જમ્મૂ કાશ્મીરને સંવેદનશીલ રાજ્ય ગણાવતા તેમણે કહ્યું કે જ્યારે પાપ વધી જાય છે ત્યારે બચાવવા માટે કોઈ અવતાર આવે છે. આ અવતાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.

(8:22 pm IST)