Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મુંબઈ અટેકમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓનો હાથ : શરીફ

ભારતના દાવાને આખરે સ્પષ્ટ સમર્થન મળ્યું: પાકમાં એક સાથે બે ત્રણ સમાંતર સરકારો ચાલી રહી છે બંધારણીય રીતે ચૂંટાઈ આવેલી એક સરકાર હોવી જોઈએ

ઈસ્લામાબાદ, તા.૧૨: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નવાઝ શરીફે કબુલાત કરી છે કે મુંબઈ હુમલામાં પાકિસ્તાની ત્રાસવાદીઓની સંડોવણી હતી. પાકિસ્તાની ત્રાસાદીઓનો હાથ હોવાની નવાઝ શરીફે કબુલાત કરી છે. નવાઝ શરીફની આ કબુલાતથી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. પાકિસ્તાને હંમેશા એવા આક્ષેપોને રદિયો આપ્યો છે કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા. પાકિસ્તાન હંમેશા ત્રાસવાદીઓને પોષણ આપવાના આક્ષેપોને ફગાવતું આવ્યું છે પરંતુ નવાઝ શરીફના નિવેદનથી સાબિતી મળી છે કે ત્રાસવાદી સંગઠનો પાકિસ્તાનમાં સક્રિય થયેલા છે અને તેમને મદદ પણ મળી રહી છે. નવાઝ શરીફે મુંબઈ હુમલાની પાકિસ્તાનમાં અટવાઈ પડેલી સુનાવણી ઉપર પણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. શુક્રવારના દિવસે મુલતાનમાં યોજાયેલી રેલી પહેલા એક અખબારને આપેલી મુલાકાતમાં નવાઝ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાનમાં બે અથવા ત્રણ સમાંતર સરકારો ચાલી રહી છે. આ બાબત બિલકુલ યોગ્ય નથી. આને રોકવાની જરૂર છે. માત્ર એક જ સરકાર હોઈ શકે છે જે બંધારણીય પ્રક્રિયાથી ચૂંટાઈ આવે છે. નવાઝ શરીફને કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને યોગ્ય રીતે રજુ કરવામાં આવી રહ્યા નથી. નવાઝ શરીફે એમ પણ કહ્યું હતું કે આતંકવાદી સંગઠન સક્રિય છે. આ ત્રાસવાદીઓને સરહદ પાર કરવાની અને મુંબઈમાં ૧૫૦ લોકોની હત્યા કરવાની મંજુરી મળવી જોઈએ કે કેમ તે અંગે પૂછવામાં આવતા નવાઝ શરીફે કહ્યું હતું કે ત્રાસવાદીઓ સામે નક્કર કાર્યવાહી થવી જોઈએ. રાવલપિંડી આતંકવાદ વિરોધી કોર્ટમાં મુંબઈ હુમલા સાથે સંબંધિત ટ્રાયલ ઘણા સમયથી ચાલી રહી છે. પાકિસ્તાન આ બાબતને લઈને હંમેશા ઈનકાર કરતું રહ્યું છે કે વર્ષ ૨૦૦૮ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા હતી. શરીફે ભારતના દાવાને સમર્થન આપ્યું છે.

(7:07 pm IST)