Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઇરાનમાં રૂમમાં ડાન્સનો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી દેનાર યુવતિની ધરપકડ

નવી દિલ્હી: ઈરાનની તહેરાનમાં રહેતી એક યુવતી ડાન્સની ખુબ જ શોખીન છે. યુવતીએ પોતાનો શોખ પૂરો કરવા માટે કેટલાક ડાન્સ વીડિયો બનાવ્યાં અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં. ઈરાનની આ યુવતીના ડાન્સ વીડિયો જોત જોતામાં તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વાઈરલ થઈ ગયો. યુવીતના આ ડાન્સ વીડિયોને ભલે દુનિયાના હજારો લોકોએ પસંદ કર્યો હતો પરંતુ ઈરાનની પોલીસ અને પ્રશાસનને આ વીડિયો ડાઈજેસ્ટ થયો નથી. 

ડાન્સ વીડિયો સામે આવતા જ તહેરાનની પોલીસે આ યુવતીની અટકાયત કરી લીધી. યુવતીના ડાન્સ વીડિયોની જેમ, તેની અટકાયતના સમાચાર પણ દુનિયામાં ફેલાઈ ગયાં. ચારે બાજુ ઈરાનની પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની આલોચના થઈ રહી છે. આલોચના બાદ પણ ઈરાનની પોલીસ પોતાના ઈરાદા પર મક્કમ છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ 18 વર્ષની મેહેદ હોજબ્રીનો આ ડાન્સ વીડિયો ત્યાંની રાષ્ટ્રીય ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો. 

ત્યારબાદ યુવતી પર નૈતિક માપદંડોને તોડવાનો આરોપ લગાવીને સ્થાનિક પોલીસે અટકાયત કરી લીધી. ઈરાનની પોલીસે દાવો કર્યો છે કે 18 વર્ષની મેદેહ હોજબ્રીએ નૈતિક માપદંડો તોડવાના આરોપોનો સ્વીકાર કર્યો છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેનો ઈરાદો કોઈ પણ નૈતિક માપદંડો તોડવાનો નહતો. 

ઉલ્લેખનીય છે કે 18 વર્ષની મેહેદ હોજબ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગભગ 300થી વધુ વીડિયો અને ફોટા શેર કર્યા છે. જેમાં અનેક વીડિયોમાં તેણે ડાન્સ કર્યો છે. આરોપ છે કે મેહેદ હોજબ્રીએ અનિવાર્ય ઈસ્લામી હેડકાર્ફ(હિજાબ) પહેર્યા વગર વીડિયોમાં ડાન્સ કર્યો છે. મામલો સામે આવ્યાં બાદ ઈરાની પોલીસે કહ્યું છે કે તેઓ ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા આ પ્રકારના તમામ એકાઉન્ટ પર પ્રતિબંદ લગાવવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. જે અંતર્ગત ન્યાયપાલિકા દ્વારા આ સાઈટ પર પ્રતિબંધ લગાવવાની વાત ઉપર પણ વિચાર કરી શકાય છે. 

નોંધનીય છે કે ઈરાનમાં ફેસબુક, ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો પ્રોક્સી અને વીપીએનના માધ્યમથી તેને એક્સેસ કરી રહ્યાં છે.  

(5:48 pm IST)