Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

તાજમહાલમાં નમાઝ પઢી નહિ શકે બહારના મુસ્લિમો

સુપ્રિમ કોર્ટે બહારના લોકોને પરવાનગી આપવાનો ઇન્કાર કર્યોઃ કોર્ટે કહ્યું... તાજમહાલ વિશ્વની સાતમી અજાયબી છે, લોકો બીજી મસ્જીદમાં જઇ નમાજ પઢી શકે છે

નવી દિલ્હી તા. ૯ : સુપ્રીમ કોર્ટે તાજમહેલમાં નમાજ પઢવા પર રોક લગાવી દિધી છે. સુપ્રીમે કહ્યું કે, તાજમહેલ વિશ્વમાં સાતમી અજાયબીમાંથી એક છે તેથી એ ધ્યાન રાખવું પડશે કે તાજમહેલના પરિસરમાં નમાજ પઢવાની મંજુરી આપી શકાય નહીં. કોર્ટે એ પણ કહ્યું કે, અહીંયા અનેક જગ્યા છે જ્યાં નમાજ પઢી શકાય તો પછી તાજમહેલ જ કેમ ?

ઉલ્લેખનીય છે કે, તાજમહેલમાં નમાજ પઢવા જવા અંગે આરએસએસની અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિએ ઓકટોબર ૨૦૧૭માં તાજમહેલમાં થતી નમાજ પર પ્રતિબંધ લગાવાની માંગ કરી હતી. આ સમિતિએ માંગ કરી હતી કે તાજ મહેલ એક રાષ્ટ્રીય ધરોહર છે તો મુસલમાનને કેમ તેને ધાર્મિક સ્થળના રૂપે ઉપયોગ કરવાની મંજુર આપવામાં આવી છે. જો પરિસરમાં નમાજ પઢવાની મંજુરી છે તો હિંદુઓને પણ શીવ ચાલીસાનો પાઠ કરવા દેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક નમાજીઓએ એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માંગણી કરી હતી કે, સ્થાનિક લોકોની સાથે બહારી લોકોને પણ નમાજ પઢવાની ઈજાજત આપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજમહેલમાં હાલની મસ્જિદમાં દર શુક્રવારે ઝુમ્માની નમાજ પઢવામાં આવે છે, તેને લઈને અમુક લોકોએ વિરોધ કર્યો છે. શુક્રવારે આ કારણે તાજમહેલ બંધ પણ રાખવામાં આવે છે.(૨૧.૩૬)

(4:02 pm IST)