Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

નિરવ મોદીની ૧૨૫ કિંમતી પેઇન્ટિંગ ઉપર નજર કેન્દ્રિત

પંજાબ નેશનલ બેંક સંપત્તિ જપ્ત કરવા ઇચ્છુક છે : પુણે, દુબઈ, સિંગાપોર, હોંગકોંગના તેના ફ્લેટ, મોટરબોટ અને ૫.૫ કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવાની તૈયારી

નવીદિલ્હી,તા. ૮ : બેંકિંગ કૌભાંડ કરીને ફરાર થઇ ગયેલા નિરવ મોદીની સંપત્તિ ઉપર પંજાબ નેશનલ બેંકની ચાંપતી નજર કેન્દ્રીય થઇ ગઇ છે. પીએનબી હવે પુણે, દુબઈ, સિંગાપૌર અને હોંગકોંગમાં નિરવ મોદીના ફ્લેટ, મોટરબોટ અને ૫.૫ કરોડ રૂપિયાની જ્વેલરીને જપ્ત કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત ૧૨૫ કિંમતી પેઇન્ટિંગ પણ ટાર્ગેટમાં લેવા માટે પીએનબી દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે. નિરવની પાસે લોકપ્રિય આર્ટીસ્ટ વીએસ ગાયતુંડે, એમએફ હુસૈન, કેકે હેબ્બાર સહિત જાણીતા પેન્ટરોની પેઇન્ટિંગ રહેલી છે. આમા સૌથી મોંઘી પેઇન્ટિંગ જાણીતા પેન્ટર રાજા રવિ વર્માની રહેલી છે જેની કિંમત ચાર કરોડ રૂપિયાની હોવાનું જાણવા મળી રહ્યું છે. સીબીઆઈ કેસ થતાં પહેલા નિરવ મોદી આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશમાંથી ફરાર થઇ ગયો હતો. આ સપ્તાહની શરૂઆતમાં પીએનબી દ્વારા નિરવ મોદી અને તેમની સંપત્તિઓથી ૭૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની લડાઈ શરૂ થઇ ચુકી છે. નિરવ મોદી ઉપર આક્ષેપ છે કે, ખોટા લેટર ઓફ અન્ડરટેકિંગની મદદથી બેંકમાંથી જંગી નાણા ઉપાડી લીધા હતા. જો કે, બેંકને લખવામાં આવેલા પત્રમાં નિરવ મોદીએ આ પ્રકારના અહેવાલોને રદિયો આપ્યો છે. એલઓયુ છેતરપિંડીના મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. પોતાના નુકસાનની ભરપાઈ માટે પીએનબીએ ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલની સામે ૩૪૦૨ કરોડ રૂપિયાની મૂલ્યની સંપત્તિનું લિસ્ટ તૈયાર કરી લીધું છે. નિરવ મોદી સામે સકંજો દિનપ્રતિદિન વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. બેંકે નિરવ મોદી ઉપરાંત ૧૫ લોકોની લિસ્ટ તૈયાર કરી છે. નુકસાનની ભરપાઈ માટે પીએનબી દ્વારા ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલ સમક્ષ ૩૪૦૨ કરોડ રૂપિયાની જે રજૂઆત કરી છે તેના લીધે ખળભળાટ મચી ગયો છે. નિરવની સંપત્તિની યાદીમાં દુબઈના તેના ત્રણ ફ્લેટ પણ સામેલ છે જેની કિંમત ૬.૫ કરોડ રૂપિયા છે. એક-એક ફ્લેટ સિંગાપૌર અને હોંગકોંગમાં પણ છે જેની કિંમત જાણી શકાય નથી. વર્લીના સમુદ્ર મહેલમાં નિરવની પત્નિ એમિના નામ ઉપર ફ્લેટ છે જેની કિંમત દર્શાવવામાં આવી નથી. યાદીમાંઅહેમદનગર અને અલીબાગમાં જમીન, પ્રસાદ ચેમ્બર્સમાં પાર્કિંગ પ્લેસ, ૪૭૪ કરોડ રૂપિયા લોન અને એડવાન્સનો પણ ઉલ્લેખ છે. લો કંપની શાર્દુલ અમરચંદ મંગળદાસ તરફથી દાખલ કરવામાં આવેલી પીએનબીની અરજી ઉપર ડીઆરટીની સુનાવણી હજુ હાથ ધરવામાં આવી નથી. નિરવ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સરકારના ટાર્ગેટ પર છે. તેની માહિતી મેળવવાના સતત પ્રસયાસો થઇ રહ્યો છે. સીબીઆઈ, ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા નિરવ મોદી સામે તપાસ ચાલી રહી છે.

(12:00 am IST)