Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દલાલ સ્ટ્રીટમાં વિવિધ પરિબળો વચ્ચે ઉથલપાથલ રહે તેવી વકી

આઈઆઈપી ડેટા, ટ્રેડવોર, કમાણીના આંકડા પર તમામની નજર : ડોલરની સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની વધતી કિંમતો જેવા પરિબળોની અસર પણ રહેશે : ૧૨મી જુલાઈએ ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શન ડેટા જાહેર કરાશે

મુંબઈ, તા.૮ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. ઉથલપાથલનો દોર રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં ઉથલપાથલ રહ્યા બાદ આ સ્થિતિ હાલ અકબંધ રહી શકે છે. મૂડીરોકાણકારો મોટાભાગે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરને લઇને સાવધાન થયેલા છે. વધારે રોકાણ કરવાના મૂડમાં નથી. જે જુદા જુદા પરિબળોની અસર થનાર છે તેમાં ટ્રેડવોરને લઇને ટેન્શન, આઈઆઈપીના ડેટા, ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાનો સમાવેશ થાય છે. સેંસેક્સ શુક્રવારના દિવસે કારોબારના અંતે ૦.૬૬ ટકા ઉછળીને ૩૫૬૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૭૭૨ની સપાટીએ રહ્યો હતો. જૂન ત્રિમાસિક ગાળાના પરિણામો, વૈશ્વિક પરિબળો પણ દલાલ સ્ટ્રીટમાં બજારની દિશામાં ભૂમિકા અદા કરનાર છે. જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે. ઇન્ડસઇન્ડ બેંક અને ટીસીએસ દ્વારા મંગળવારના દિવસે તેમના ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કરનાર છે. ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે. આઈટી સેક્ટર પર પણ તેની અસર થઇ શકે છે. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. સરકાર દ્વારા ગુરુવારના દિવસે મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરવામાં આવનાર છે. એપ્રિલ મહિનામાં મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ એક્ટીવીટીમાં વધારો થયા બાદ તેની અસર પણ જોવા મળી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ એક વર્ષ અગાઉની સરખામણીમાં એપ્રિલમાં ૪.૯ ટકા રહ્યો હતો. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલસ્ટ્રીટમાં અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટકના વિવિધ ભાગોમાં હાલ ભારે વરસાદ થઇ રહ્યો છે. ભૌગોલિક તંગદિલીની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મેને મળનાર છે જેમાં ટ્રેડવોરના મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે. જૂન મહિના માટે ચીનનો ફુગાવાનો આંકડો ૧૦મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. જૂન મહિના માટે યુએસ કોર ફુગાવાનો આંકડો ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ આજે જ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા દ્વારા ચીની ચીજવ્તુઓ ઉપર નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત બાદ ચીને પણ જેવા સાથે તેવાના ભાગરુપે અમેરિકાથી આયાત કરવામાં આવતી આશરે ૫૪૫ ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી દીધી હતી.

(12:00 am IST)