Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

FPI દ્વારા માત્ર પ સેશનમાં કુલ ૩,૧૨૭ કરોડ ઠલવાયા

એપ્રિલ-જૂન દરમિયાન જંગી નાણા પરત ખેંચાયા : છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ ફરીવાર જંગી રોકાણ કરાયું

મુંબઈ, તા.૮ : વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારોએ  છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાં ૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા બાદ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ૬૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ હવે નાણાં ઠાલવવામાં આવ્યા છે. અગાઉ માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. ડિપોઝિટરી ડેટામાં જણાવ્યા અનુસાર વિદેશી મૂડીરોકાણકારોએ ૨-૬ જુલાઈ દરમિયાન ઇક્વિટી માર્કેટમાં ૨૨૩૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જ્યારે વિદેશી મૂડીરોકાણકારોએ આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૮૯૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૩૧૨૭ કરોડનો રહ્યો છે. આ વર્ષે હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટમાંથી ૪૪૭૩૫ કરોડ પાછા ખેંચી લીધા છે જેમાં ડેબ્ટમાંથી ૪૦૫૪૧ કરોડનો સમાવેશ થાય છે. ઇક્વિટીમાંથી ૪૧૯૬ કરોડ રૂપિયા ખેંચવામાં આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા મૂડી માર્કેટમાં ૨૨૨૭૨ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૧૬૭૪ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. માર્ચ મહિનામાં ફરીથી ૨૬૬૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના બાદથી ઉથલપાથલ શરૂ થઇ છે. જૂન સુધી સ્થિતિ સારી રહી હતી પરંતુ છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આ વર્ષે એફપીઆઈ માટે સ્થિતિ બિલકુલ પણ સાનુકુળ રહી નથી. આના માટે ઘણા બધા પરિબળો જવાબદાર રહ્યા છે. ભારતમાંથી જંગી નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. એક્સચેંજ ટ્રેડેડ ફંડ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારત હાલમાં વધતી જતી ક્રૂડ ઓઇલની કિંમતને લઇને ચિંતાતુર છે. સાથે સાથે ડોલર સામે રૂપિયો નબળો પડ્યા બાદ તેની અસર પણ જોવા મળી રહી છે. મોર્નિંગ સ્ટાર ઇન્ડિયાના સિનિયર મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ વર્ષમાં સ્થિતિ એફપીઆઈ માટે સાનુકુળ રહી નથી. રિલાયન્સ સિક્યુરીટીમાં રિટેલ બ્રોકિંગના વડા રાજીવ શ્રીવાસ્તવે કહ્યું છે કે, ઇક્વિટી માર્કેટમાં લેવાલી પણ જોવા મળી છે.  છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ૪૫૦૦૦ કરોડની રકમ પરત ખેંચવામાં આવી છે. તે પહેલા વિદેશી રોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા હતા. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવીછે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે.

FPI દ્વારા ફરી લેવાલી

*   છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણા ઠલવાયા

*   એપ્રિલ-જૂન દરમિયાન જંગી નાણા પરત ખેંચાયા બાદ ફરી નાણાં ઠાલવી દેવામાં આવ્યા

*   વિદેશી મૂડીરોકાણકારો ફરી એકવાર લેવાલીના મૂડમાં

*   છેલ્લા ત્રણ મહિનામાં ૬૧૦૦૦ કરોડ ખેંચી લેવાયા બાદ ફરી રોકાણ કરાયું

*   આ વર્ષે હજુ સુધી વિદેશી રોકાણકારો દ્વારા મૂડીમાર્કેટમાંથી ૪૪૭૩૭ કરોડ પાછા ખેંચાયા

*   ડેબ્ટ માર્કેટમાંથી ૪૦૫૪૧ કરોડ અને ઇક્વિટીમાં ૪૧૯૬ કરોડ પાછા ખેંચવામાં આવ્યા

*   જાન્યુઆરી મહિનામાં ૨૨૨૭૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા

*   ફેબ્રુઆરીમાં ૧૧૬૭૪ કરોડ પરત ખેંચી લેવામાં આવ્યા હતા

*   માર્ચ મહિનામાં ફરીવાર ૨૬૬૨ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા

*   મૂડીરોકાણકારો વૈશ્વિક સ્થિતિને લઇને પરેશાન

(12:00 am IST)