Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મિશન ૨૦૧૯ : મોદી આ મહિને ચાર વખત યુપી જશે

ભાજપની સ્થિતિ મજબૂત કરવાનો મુખ્ય હેતુ : નોઇડા, આઝમગઢ, વારાણસી તેમજ લખનૌમાં કાર્યક્રમો

લખનૌ,તા.૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ૨૦૧૯ના ભાગરુપે ફરીએકવાર ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર કરવાની તૈયારી કરી ચુક્યા છે. મોદી હવે ફરી કમળ ખિલાવવા માટે રાજ્યમાં આક્રમક ચાર પ્રવાસ કરનાર છે. છેલ્લી કેટલીક પેટાચૂંટણીમાં એકમત થયેલા વિપક્ષ સામે હાર ખાધા બાદ મોદીએ હવે પોતે જવાબદારી લઇ લીધી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એકબીજાના વિરોધી  હોવા છતાં મોદીને પછડાટ આપવા એકબીજા સાથે હાથ મિલાવી ચુક્યા છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે, મોદી શિલાન્યાસ અને ઘોષણાઓ મારફતે સપા અને બસપા ગઠબંધનની ધારને ઘટાડશે. મોદી જુલાઈ મહિનામાં રાજ્યના ચાર જિલ્લા નોઇડા, વારાણસી, આઝમગઢ અને લખનૌમાં જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન કેટલીક યોજનાઓના શિલાન્યાસ કરાશે. લોકો સાથે સીધીરીતે વાતચીતના પ્રયાસ પણ કરશે. ૨૦૧૪ ચૂંટણીમાં ભાજપને યુપીમાં ૮૦માંથી ૭૩ સીટો મળી હતી. ત્રણ સીટો પર યોજાયેલી પેટાચૂંટણી  બાદ આ આંકડો હવે ૭૦ ઉપર પહોંચી ગયો છે. પેટાચૂંટણીમાં હાર બાદ ટોપ લીડરો ફરી એકવાર વિચારતા થયા છે. મોદીના મિશન યુપીની શરૂઆત નોઇડાથી થશે. દક્ષિણ કોરિયાના પ્રમુખ મુનજે ઇનની સાથે સેમસંગ કંપનીના પ્લાન્ટમાં જશે.

૯મી જુલાઈના કાર્યક્રમમાં મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રહેશે. ત્યારબાદ ૧૪મી જુલાઈના દિવસે મોદી પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના મતવિસ્તાર આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસનું શિલાન્યાસ કરશે. ૧૫મી જુલાઈના દિવસે મોદી વારાણસીમાં કેન્સર સેન્ટરનું શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ થઇ રહેલા વિકાસ કામોની સમીક્ષા કરશે.

(12:00 am IST)