Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સોપોરેમાં આતંકવાદીઓનું સામાન્ય લોકો પર ફાયરિંગ

અઢી વર્ષની માસુમ બાળકી સહિત ચાર ઘાયલ : આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્વકની હરકત કરીને સ્થિતિને બગાડવાના પ્રયાસો કર્યા : ઉંડી ચકાસણી

શ્રીનગર, તા. ૭ : જમ્મુ કાશ્મીરના સોપોરેમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે. અહીં ડાંગેરપોરા વિસ્તારમાં ત્રાસવાદીઓના ગોળીબારમાં અઢી વર્ષની માસુમ બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચીને પોલીસ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ અઢી વર્ષની બાળકીની હાલત ગંભીર બનેલી છે. બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે આ બાળકીને સારવાર માટે દિલ્હીની એમ્સમાં લાવવા સુચના આપી છે. કાશ્મીર ઝોનના પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, ત્રાસવાદીઓના ગોળીબારમાં ઘાયલ તમામ લોકોની હાલત ગંભીર બનેલી છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ આતંક ફેલાવવાના ઇરાદા સાથે વારંવાર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉશ્કેરણીજનક કૃત્યો કરી રહ્યા છે. ત્રાસવાદીઓ તરફથી જુદા જુદા વિસ્તારમાં સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ સરહદ પારથી પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દિલબાગસિંહે કહ્યું છે કે, પાકિસ્તાન અહીં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ખીણના યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મિડિયાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય બનાવવા અને જનજીવનને પાટા ઉપર લાવવા માટેના પડકાર કેન્દ્ર સરકાર સામે રહેલા છે. જો કે, પોલીસે ખાતરી આપતા કહ્યું છે કે, સૈન્ય દળોની મદદથી સ્થિતિને સામાન્ય બનાવવા યુદ્ધના ધોરણે પ્રયાસ ચાલી રહ્યા છે. સરહદ ઉપર પણ આતંકવાદીઓની ઘુસણખોરીને રોકવા જુદા જુદા પગલા લેવાયા છે.

(10:10 pm IST)