Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી-જાનદાર રહીઃ આપણો ઉત્સાહ નબળો નથી પડયોઃ વધુ મજબુત થયો છેઃ સમગ્ર દેશને વૈજ્ઞાનિકો પર ગર્વ છે

દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક કઠણાઈ આપણને કંઈક નવુ શીખવાડી જાય છેઃ કંઈક નવા આવિષ્કાર, નવી ટેકનોલોજી માટે પ્રેરીત કરે છેઃ મોદી

બેંગ્લોર, તા. ૭ :. પીએમ નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-૨ ઉપર આજે દેશ અને ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહ્યુ હતુ કે વિજ્ઞાન પ્રયાસનું નામ છે. પીએમએ કહ્યુ હતુ કે, આખરી કદમ પર ચંદ્રયાન ચંદ્રમાને ભેટવા માટે દોડી પડયુ. પીએમએ કહ્યુ હતુ કે ઈસરોએ નાની અસફળતાઓથી ગભરાવુ જોઈએ નહિ.

વડાપ્રધાને કહ્યુ હતુ કે, ચંદ્રયાનની યાત્રા શાનદાર અને જાનદાર રહી હતી. પરિણામ તેની જગ્યાએ છે પરંતુ મને અને સમગ્ર દેશને આપણા વૈજ્ઞાનિકો, એન્જીનીયરો અને તમારા બધાના પ્રયાસો પર ગર્વ છે.

વડાપ્રધાને વૈજ્ઞાનિકોને કહ્યુ હતુ કે, દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક કઠીનાઈ આપણને કંઈ નવુ શીખવાડીને જાય છે. કંઈક નવા આવિષ્કાર, નવી ટેકનોલોજી માટે પ્રેરીત કરે છે અને એનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે. જ્ઞાનનો જો કોઈ સૌથી મોટો કોઈ શિક્ષક હોય તો તે વિજ્ઞાન છે.  ઈસરોના મિશન કંટ્રોલ સેન્ટરથી વડાપ્રધાન કહ્યુ હતુ વિજ્ઞાનમાં વિફળતા નથી હોતી ફકત પ્રયોગ અને પ્રયાસ હોય છે. તેમણે કહ્યુ હતુ કે આપણે પાઠ લેવાનો છે, શીખવાનુ છે આપણે ચોક્કસ સફળ થશું અને સફળતા આપણી સાથે રહેશે. આપણો ઉત્સાહ ઓછો નથી થયો પરંતુ વધુ મજબુત થયો છે. આપણા વૈજ્ઞાનિકો માખણ પર લકીર ખેંચવાવાળા નહિ પરંતુ પથ્થર પર લકીર ખેંચવાવાળા છે. આપણને આપણા સ્પેસ પ્રોગ્રામ અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે.

વડાપ્રધાને કહ્યુ હતુ કે, આજે ભલે થોડી અડચણો હાથ લાગી હોય પરંતુ આપણો ઉત્સાહ નબળો નથી પડયો. ચંદ્રયાનની સફરનો આખરી પડાવ ભલે આશાને અનુરૂપ રહ્યો ન હોય પરંતુ આપણે એ પણ યાદ રાખવુ પડશે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી અને જાનદાર રહી.

(11:34 am IST)