Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ISROની એ ઘડી જયારે તમામ લોકોના શ્વાસ થયા અદ્ઘર

રાતભર જાગ્યો દેશઃ સન્નાટો પ્રસરી ગયો

નવી દિલ્હી,તા.૭: શુક્રવાર આશરે બે વાગ્યે ઇસરો સેન્ટર બેંગાલુરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક વૈજ્ઞાનિકોએ મિશન મૂનની ઐતિહાસિક ક્ષણનો ઇન્તેજાર કરી રહ્યા હતા. પરંતુ અચાનક અહેવાલ આવ્યા કે લેન્ડર વિક્રમનો સંપર્ક કપાઇ ગયો. આ સંપર્ક એકવાર કપાયો તો ઇન્તેજારી બાદ પણ ફરી સ્થાપિત ન થયો. વૈજ્ઞાનિકો સહિત દેશવાસીઓમાં માયૂસી છવાઇ ગઇ. આ ઉપરાંત લેન્ડર વિક્રમની લેન્ડિંગને ટીવી પર નિહાળનારા કરોડો દર્શકોને પણ હતી ચિંતા કે આખરે શું થશે. રાત્રે ૧.૩૬ કલાકે.

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમના ઉતરાણની પ્રક્રિયા શરૂ થઇ. ઇસરો સેન્ટરમાં રહેલા તમામ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓ માટે સૌથી મહત્વની ઘડી એકદમ નજીક આવી. વૈજ્ઞાનિકોની લેન્ડર વિક્રમ પર સતત નજર હતી. ધીમેધીમે તેની સ્પીડ દ્યટાડવામાં આવી રહી હતી. તેની સ્પીડને ૧૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી કરવામાં આવી. રાત્રે ૧.૫૨ કલાકે ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચ્યું વિક્રમ લેન્ડર. ઇસરોના કંટ્રોલ રૂમમાં ભારે તણાવ હતો. અચાનક જ કંટ્રોલ રૂમમાં તાળીઓ વાગવા માંડી. લેન્ડરે રફ બ્રેકિંગના તબક્કાને અને ફાઇન બ્રેકિંગના તબક્કાને સફળતાથી પાર પાડ્યો.

દરેકના ચહેરા પર ખુશી જોવા મળી.. પરંતુ અચાનક ઇસરોના સેન્ટરમાં સન્નાટો પ્રસરી ગયો. કોઇને કંઇ પણ સમજાતું ન હતું કે આખરે શું બની રહ્યું છે. ઇસરોના ચીફ કે.સિવને પીએમ મોદી પાસે જઇને કંઇક માહિતી આપી.. ઇસરોના વૈજ્ઞાનિકોના બદલાયેલા હાવ ભાવ ચાડી ખાઇ રહ્યા હતા કે કંઇક અજૂગતું બન્યું છે. પીએમ મોદી વિઝીટિંગ ગેલેરીમાંથી નીકળી ગયા.. ત્યારબાદ ખુદ ઇસરોના ચીફ કે.સિવને એલાન કર્યું કે લેન્ડર વિક્રમનો સંપર્ક કપાઇ ગયો છે. ઇસરોના સેન્ટરમાં રહેલા લોકોના ચહેરા પર માયુસી છવાઇ ગઇ. લેન્ડર વિક્રમનો સંપર્ક કપાઇ ગયો. વૈજ્ઞાનિકોએ દ્યણા સમય સુધી વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. છેલ્લી ઘડી સુધી ડેટા પ્રાપ્ત થયા છે ઇસરો દ્વારા તેનો અભ્યાસ કરાઇ રહ્યો છે.

(11:31 am IST)