Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમેરિકા પાસે પ્રચંડ વાવાઝોડુ ત્રાટક્યુ : ૩૦થી વધારેના મોત

મોટી સંખ્યામાં લોકો ઘાયલ અને લાપતા થયા : ૭૦ હજારથી વધુ લોકોને તરત સહાયતાની જરૂર : હેવાલ

વોશિંગટન,તા.૬ : અમેરિકાની નજીક બહામાસ અને અન્ય વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. ૩૦થી પણ વધુ લોકોના મોત થયા છે. બચાવ અને રાહતકામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સયુક્ત રાષ્ટ્રનું કહેવુ છે કે, હજારો લોકોને રાહત અને મદદની જરૂર છે. કાટમાર હેઠળ હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. લાખો લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. પ્રચંડ વાવાઝોનો શિકાર થયેલા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ૩૮ વર્ષીય એડ્રીયાન ફેરન્ગ્ટને જણાવ્યું છે કે, પાંચ વર્ષના બાળકને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ પાણીના જોર સામે તેને સફળતા મળી ન હતી. પ્રચંડ વાવાઝોડાના કારણે પુત્રનો હાથ છુટી ગયો હતો અને તે તણાય ગયો હતો. રડતી આંખોએ ફેરિન્ગ્ટને હોસ્પિટલમાં જણાવ્યું હતું. અહીં તે તૂટેલા હાડકાંની સારવાર લઇ રહ્યો છે. જેવો તેનો દીકરો તણાયો , તેને બચાવવા માટે તે પાણીમાં કૂદી પડ્યો હતો.

          છતની આસપાસ મકાનના તૂટેલા લાકડાઓને વીંધીને તે સામી તરફ નિકળી ગયો હતો. પરંતુ પાણીના પ્રવાહમાં તેનો દીકરો અદ્રશ્ય થઇ ગયો હતો. તે પણીમાં અંદર ડૂબકી મારીને તેના દીકરાને શોધવા લાગ્યો પરંતુ કંઇ હાથમાં આવ્યું નહીં. મને કંઇ મળ્યુ નહીં. હું પાછો ઉપર આવ્યો. મારો શ્વાસ રોક્યો અને ફરી પાણીની અંદર શોધવા ગયો. આ સમયે લોકો મારી પત્નીને સુરક્ષિત સ્થાને લઇ ગયા અને તેઓ મને પાછા ફરવા માટે કહી રહ્યા હતાં. પણ હું મારા દીકરાને મૂકીને પાછો આવવા માગતો ન હતો. કલાકો સુધી મથ્યા બાદ પણ જ્યારે તેનો દીકરો ન મળ્યો તો ફેરિન્ગ્ટન એક ઉંચા મેદાન પાસે આવી ગયો. તેને હજુ લાગે છે કે બાળક મળી જશે પણ ગંભીર હકીકતની આશંકાથી તે વ્યથિત છે. તેના કહેવા પ્રમાણે એક પાંચ વર્ષના બાળકનું મળવું અઘરું છે. જેવી રીતે તે મારી સામેથી ગયો, મને ખબર છે કે કંઇ પણ થઇ શકે.

(12:00 am IST)