Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઓનર કિલીંગની ઘટના

પ્રેમી - પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા : બંનેના મોત

યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો : બંને પરિવારોને આ વાતની જાણ થતાં બંનેને જીવતા સળગાવ્યા

બાંદા તા. ૬ : ઉત્તર પ્રદેશના બાંદામાં બુધવારે ખોટી શાન માટે પ્રેમી-પ્રેમિકાને યુવતીના પરિજનોએ રૂમમાં બંધ કરી જીવતા સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ પ્રેમીનું જિલ્લા હોસ્પિટલમાં મોત થઈ ગયું, બીજી તરફ પ્રેમિકાનું કાનપુર લઈ જતી વખતે રસ્તામાં મોત થયું. બંને પ્રેમી યુગલના મોત બાદ વિસ્તારમાં સોપો પડી ગયો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ આઈજી ચિત્રકૂટ સત્યપ્રકાશે ઘટનાસ્થળે પહોંચી પરિવારના ૯ સભ્યોની વિરૂદ્ઘ કેસ નોંધી ૪ આરોપીઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, સમગ્ર મામલો કરછા ગામનો છે જયાં ગામના એક યુવકનો યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. યુવતીએ બુધવારે પ્રેમીને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન તેની જાણ યુવતીના પરિજનોને થઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચી આક્રોશિત યુવતીના પરિજનોએ પ્રેમી યુગલ પર કુહાડીથી હુમલો કરી દીધો અને પછી રૂમનો દરવાજો બંધ કરી આગ લગાવી દીધી. તેના કારણે રૂમમાં કેદ પ્રેમી યુગલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયું. ગામ લોકોએ ગંભીર હાલતમાં બંનેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને પોલીસને જાણ કરી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રેમી યુવકનું મોત થઈ ગયું. જયારે યુવતીની હાલત ગંભીર હોવાના કારણે તેને કાનપુર રેફર કરવામાં આવી, પરંતુ કાનપુર પહોંચતા પહેલા જ તેનું પણ મોત થઈ ગયું.

ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી અને યુવક-યુવતીના પરિવારના ૯ લોકો પર કેસ નોંધ્યા બાદ ચાર લોકોની ધરપકડ કરી છે. ઘટનાની જાણકારી આપતાં આઈજી ચિત્રકૂટે જણાવ્યું કે, કરછા ગામમાં રહેતા એક યુવક તથા યુવતીને પરિવારના સભ્યોએ સંદિગ્ધ અવસ્થામાં જોઈ લીધા હતા, ત્યારબાદ બંને પરિવારના લોકોએ મળીને યુવક અને યુવતી પર કુહાડીથી હુમલા કર્યા અને બાદમાં રૂમમાં બંધ કરી જીવતા સળગાવી દીધા.

આઈજી ચિત્રકૂટે વધુમાં જણાવ્યું કે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવક-યુવતીને જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા, જયાં સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું. બીજી તરફ યુવતીની હાલત ગંભીર હોવાથી તેને કાનુપર સારવાર માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું મોત થયું. સમગ્ર મામલામાં ૯ આરોપીઓ વિરુદ્ઘ કેસ નોંધવામાં આવ્યો છે.

(9:39 am IST)