Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મુંબઈ જળબંબોળ : NDRF ટીમ તૈનાત :હજુ બે દિવસ ભારે : બે ટ્રેનો ટ્રેક ઉપર અટવાઇ :150 લોકોનું રેસ્ક્યુ: 200 હજી ફસાયેલાં

લોકોને ઘરની બહાર નહીં નીકળવા મુખ્યમંત્રીની આપીલ : મુંબઈ, થાણે અને પાલઘરમાં રેડ એલર્ટ જાહેર

 

મુંબઇઃ એકધારા ભારે વરસાદને કારણે મુંબઈ જળબંબોળ બન્યું છે,અનેક જગ્યાએ વધારે પાણી ભરાઇ જતા શહેરનાં અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો છે. દક્ષિણ મુંબઇમાં પણ અનેક જગ્યાઓએ ભારે વરસાદથી ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. મુંબઇની મસ્જિદ અને ભાયખલા સ્ટેશનની વચ્ચે 2 લોકલ ટ્રેનો પણ રેલ્વે ટ્રેક પર વધારે પાણી ભરાઇ જવાને કારણ ફસાઇ ગઇ છે. સીએસટીથી કર્જત જનારા 150 મુસાફરોને રેલ્વે કર્મચારીઓએ બચાવ્યાં છે. પરંતુ હજી પણ બે ટ્રેનોની અંદર 200 લોકો ફસાયેલા છે.

 મુંબઇ, થાને અને પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. શહેરમાં ભારે વરસાદને  કારણે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. વડાપ્રધાન મોદીએ સીએમ ઉદ્ઘવ ઠાકરે સાથે વાતચીત પણ કરી છે.પીએમ મોદીએ તમામ સંભવ મદદ માટેનું આશ્વાસન આપ્યું છે.

બીજી બાજુ કોલોબા વિસ્તારમાં પણ 12 કલાકમાં 293.8 મિમી વરસાદ વરસ્યો છે. જે દક્ષિણ મુંબઇનાં લોકોએ 46 વર્ષ બાદ ઓગસ્ટનાં મહીનામાં દેખાયો છે. કોલોબા વિસ્તારમાં ભારે પવન સાથે 106 કિમીની ઝડપે પવન ફુંકાયો છે. મુંબઇમાં ભારે વરસાદને કારણે નિસર્ગ ચક્રવાત જેવી સ્થિતિ પેદા કરી દીધી છે. જેને ધ્યાનમાં રાખતા અનેક વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરી દેવાઇ છે. 6 જગ્યાઓ પર દીવાલ અને મકાન પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે 141 સ્થળોએ વૃક્ષ પડવાની ફરિયાદો પણ આવી છે. જો કે, કોઇ પણ જાનહાનિ નથી થઇ. CSMT થી કુર્લા (સેન્ટ્રલ રેલ્વે) અને CSMT થી વાશીની વચ્ચે હાર્બર લાઇન બંધ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે મુંબઇમાં ગુરૂવારનાં રોજ પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સમગ્ર સ્થિતિની સમીક્ષા પણ કરી. તેઓએ અધિકારીઓને સતર્ક અને તૈયાર રહેવાનો આદેશ પણ કર્યો છે. આ સાથે જ સીએમએ સૌ કોઇને ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે

(12:34 am IST)