Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી શિવસેનાના જ રહેશે : સંજય રાવત

મુખ્યમંત્રી પદને લઇને શિવસેનાનું જિદ્દી વલણ : સરકાર રચવાને લઇ મહારાષ્ટ્રમાં મડાગાંઠ હજુ યથાવત

મુંબઈ, તા. ૫ : શિવસેના હજુ પણ મુખ્યમંત્રી પદને લઇને જિદ્દી વલણ અપનાવી રહ્યું છે. સરકારની રચનામાં મડાગાંઠ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાવતે આજે પણ કહ્યું હતું કે, રાજ્યમાં આગામી મુખ્યમંત્રી તેમની પાર્ટીના રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રની રાજનીતિ હવે બદલાઈ રહી છે. તેમની પાર્ટી ન્યાય માટે લડત ચલાવીને જીત મેળવશે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અંગે નિર્ણય મહારાષ્ટ્રમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી શિવસેનાના રહેશે. એનસીપીને મનાવવાના પ્રયાસ શિવસેના તરફથી કરવામાં આવી રહ્યા છે તેવા અહેવાલ અંગે વાત કરતા રાવતે કહ્યું હતું કે, શરદ પવાર રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે રહેશે નહીં. મહારાષ્ટ્રમાં રાજનીતિ બદલાઈ રહી છે. ન્યાય માટેની અમારી લડત જારી રહેશે. રાજ્યસભાના સભ્ય દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદને લઇને છેલ્લા ઘણા સમયથી જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. ૨૪મી ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોઇપણ એક પાર્ટીને બહુમતિ મળી શકી નથી. ભાજપઅને શિવસેનાનું સંયુક્ત સંખ્યા બળ ૧૬૧ ઉપર પહોંચી રહ્યું છે જે ૨૮૮ સભ્યોના ગૃહમાં બહુમતિ માટેના ૧૪૫ના આંકડાથી ખુબ વધારે છે.

                      હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને પણ અગાઉની ચૂંટણીની સરખામણીમાં ઓછી સીટો મળી છે. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભાજપને ૧૦૫ સીટો હાથ લાગી છે જ્યારે શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ૪૪ સીટો હાથ લાગી છે. આવી સ્થિતિમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

(8:07 pm IST)