Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

૨૦૨૦માં ૧૦ ટકા પગાર વધારો થવાની વકી : રિપોર્ટ

વર્ષ ૨૦૨૦માં કુશળ કર્મચારીઓને ફાયદો : એશિયા પેસિફિક પ્રદેશોમાં પગાર વધારો ભારતમાં સૌથી વધારે રહેવાની શક્યતા : ચીનમાં વધારો ૬.૫ ટકા રહેશે

નવીદિલ્હી, તા. ૫ : ભારતમાં વર્ષ ૨૦૨૦માં પગારમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે જે વર્ષ ૨૦૧૯માં વાસ્તવિક વધારા ૯.૯ ટકાની સરખામણીમાં વધારે છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. અગ્રણી ગ્લોબલ એડવાઈઝરી, બ્રોકિંગ અને સોલ્યુશન કંપની વિલ્સ ટાવર્સ વોટસન દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કર્મચારીઓના પગારમાં વધારો સ્થિર ૧૦ ટકાની આસપાસ રહી શકે છે જે એશિયા પેસિફિક પ્રદેશમાં સૌથી વધારે રહેશે. ઇન્ડોનેશિયામાં આ વધારો ૮ ટકા, ચીનમાં ૬.૫ ટકા, ફિલિપાઈન્સમાં ૬ ટકા, હોંગકોંગમાં ચાર ટકાનો વધારો રહી શકે છે.

                વિલ્સ ટાવર્સ વોટસન ઇન્ડિયાના કન્સલ્ટીંગ લીડર રાજુલ માથુરના કહેવા મુજબ ભારતમાં પગારમાં વધારો હજુ પણ પ્રદેશમાં સૌથી ઉંચો છે પરંતુ કંપનીઓ ખુબ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યું છે. અગાઉના વર્ષની સરખામણીમાં કોઇ ધરખમ ફેરફાર કરવાની કોઇ યોજના રહેલી નથી. કંપનીઓ પસંદગીની કુશળતા આધારિત વળતરની વ્યવસ્થા અપનાવવા માટે તૈયાર દેખાઈ રહી છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલી કંપનીઓ પૈકી ૨૮ ટકા કંપનીઓએ આગામી ૧૨ મહિના માટે પોઝિટીવ બિઝનેસ રેવેન્યુ આઉટલુક માટેનો અંદાજ મુક્યો છે. અલબત્ત ૨૦૧૮માં આ લોકોએ અંદાજમાં ઘટાડો કર્યો છે. ૬૧ ટકા કંપનીઓ માને છે કે, ગયા વર્ષે ૫૭ ટકાની સરખામણીમાં આ વર્ષે કોઇ મોટા ફેરફાર થનાર નથી.

               રેવેન્યુ પ્રોજેક્શનમાં ઘટાડો જારી રાખવામાં આવ્યો છે. રિપોર્ટના તારણોમાં મુલ્યાંકન કર્યા બાદ આ મુજબની વાત કરવામાં આવી છે. જનરલ ઇન્ડસ્ટ્રી, કેમિકલ, હાઈટેક, ફાર્મા જેવા મોટાભાગના સેક્ટરો આશરે ૧૦ ટકા સુધીના પગાર વધારાની અપેક્ષા રાખી શકે છે જ્યારે એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ જેવા સેક્ટરો વાર્ષિક આધાર પર સૌથી વધારે પગાર વધારો આપી શકે છે. ૨૦૨૦ માટે એક્ઝીક્યુટીવ સ્તર પર પગારમાં વધારો ૧૦.૧ ટકાની આસપાસ રહી શકે છે જે અગાઉના વર્ષમાં ૯.૬ ટકાની આસપાસ રહ્યો હતો.

               મિડલ મેનેજમેન્ટ, પ્રોફેશનલ અને સપોર્ટ સ્ટાફ માટે વધારો ૨૦૧૯માં ૧૦.૧ ટકાથી ૨૦૨૦માં ૧૦.૪ ટકા રહી શકે છે. પરફોર્મન્સ સ્તર પર પગાર વધારા પર સરેરાશ પગાર વધારો ઉલ્લેખનીય રહી શકે છે. ટોપ પરફોર્મન્સને ૨૫ ટકા સુધીનો વધારો મળી શકે છે. ભારતમાં કર્મચારીઓ પૈકી ૧૧.૫ ટકા ટોપ પરફોર્મન્સ કામ કરી રહ્યા છે.

ક્યાં કેટલો વધારો થશે

નવીદિલ્હી, તા. ૫ : ભારતમાં વર્ષ ૨૦૨૦માં પગારમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે જે વર્ષ ૨૦૧૯માં વાસ્તવિક વધારા ૯.૯ ટકાની સરખામણીમાં વધારે છે. વર્ષ ૨૦૨૦માં એશિયા પેસિફિક પ્રદેશમાં સૌથી વધારે પગાર વધારો ભારતમાં રહેનાર છે. કયા દેશમાં કેટલો પગાર વધારો રહી શકે છે તે નીચે મુજબ છે.

દેશ..................... અંદાજિત પગાર વધારો (ટકામાં)

ભારત............................................................. ૧૦

ઇન્ડોનેશિયા....................................................... ૮

ચીન.............................................................. ૬.૫

ફિલિપાઈન્સ....................................................... ૬

હોંગકોંગ............................................................ ૪

સિંગાપોર........................................................... ૪

(8:01 pm IST)