Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પીએમસીના ખાતાધારકને મોટી રાહત : ૫૦૦૦૦ ઉપાડી શકશે

આરબીઆઈએ ફરી એકવાર ઉપાડ માટેની મર્યાદાને વધારી : આરબીઆઈ દ્વારા ઉપાડની મર્યાદા ૪૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦૦ રૂપિયા કરી : પોતાની બેંકના એટીએમથી પણ નાણા ઉપાડવા માટેની મંજુરી

નવીદિલ્હી, તા. ૫ : કૌભાંડોનો શિકાર થયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપેરટિવ બેંક (પીએમસી) બેંકના થાપણદારોને આજે મોટી રાહત આપવામાં આવી હતી. રિઝર્વ બેંક તરફથી થાપણદારોને મોટી રાહત આપતા ઉપાડ માટેની મર્યાદા વધારીને ૫૦૦૦૦ રૂપિયા કરી હતી. છ મહિનાના ગાળામાં રકમ ઉપાડવા માટેની મર્યાદામાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ આ મર્યાદાને ૪૦૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦૦ રૂપિયા કરી દીધી છે. બેંકમાં અનિયમિતતા, છેતરપિંડી જેવી બાબતો સપાટી ઉપર આવ્યા બાદ આ બેંક ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા હતા. આરબીઆઈએ અનેક વખત ઉપાડની મર્યાદામાં પણ વધારો કરી દીધો છે. આરબીઆઈએ આ વખતે ચોથી વખત ઉપાડ માટેની મર્યાદામાં વધારો કરીને આ મર્યાદા ૫૦૦૦૦ રૂપિયા કરી દીધી છે. આરબીઆઈ તરફથી કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ ૨૩મી સપ્ટેમ્બરના દિવસે પીએમસી પર અનેક પ્રકારના નિયંત્રણો લાગૂ કર્યા હતા. ત્યારબાદથી ચોથી વખત ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

                 સૌથી પહેલા ઉપાડની મર્યાદા ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ આને વધારીને ૧૦૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ૨૫૦૦૦ રૂપિયા ત્યારબાદ ૪૦૦૦૦ રૂપિયા અને હવે ૫૦૦૦૦ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંકની કામગીરીમાં વ્યાપક અનિયમિતતા અને એચડીઆઈએલને આપવામાં આવેલા દેવાના સંદર્ભમાં ખોટી માહિતી આપવાના પરિણામ સ્વરુપે તેના ઉપર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા હતા. બેંકે હવે એચડીઆઈએલને ૮૮૮૦ કરોડ રૂપિયામાંથી ૬૫૦૦ કરોડ રૂપિયાનું દેવું રહ્યું હતું. આની સાથે જ આ કુલ દેવા પૈકી ૭૩ ટકા છે. આ દેવું અનેક વર્ષથી એનપીએમાં ફેરવાઈ જતાં સમસ્યા સર્જાઈ હતી. આ બેંક પર નવી ડિપોઝિટ સ્વિકાર કરવા અને લોન આપવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. આરબીઆઈના એક પૂર્વ અધિકારીને બેંકના વહીવટીકાર તરીકે નિમીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પીએમસીમાં થાપણદારો હાલમાં ભારે પરેશાન થયેલા છે. એક પછી એક આઠ ખાતા ધારકોના મોત થઇ ચુક્યા છે. જમા રહેલી રકમની ઉપાડ ન કરવાની સ્થિતિમાં ઘણા લોકોના મોત થઇ ચુક્યા છે. એક મહિલા તબીબે હાલમાં જ આપઘાત કરી લીધો હતો.

                મંગળવારના દિવસે પણ આજે એક ડિપોઝિટરનું મોત થયું હતું. પરિવારના લોકોએ મોત માટેનું કારણ સારવાર માટે ખર્ચ નહીં ઉપાડવાની બાબતને ગણાવીને આ કારણ આપ્યું છે. પીએમસી બેંકમાં કૌભાંડની વિગત સપાટી ઉપર આવ્યા બાદથી જ કારોબારીઓ ખુબ ચિંતાતુર બનેલા હતા. કેન્દ્ર સરકારે હાલમાં દરમિયાનગીરી કરીને ખાતા ધારકોને તેમના નાણાં સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. સાથે સાથે શક્ય તેટલા પગલા સાવચેતીરુપે લેવાની ખાતરી આપી હતી. પીએમસી બેંકના ખાતા ધારકો માટે વિડ્રોઅલ પ્રક્રિયાને વધુ સરળ બનાવીને આરબીઆઈએ ૫૦૦૦૦ રૂપિયાની નક્કી કરવામાં આવેલી મર્યાદાની અંદર તેમના પોતાના બેંકના એટીએમમાંથી પણ નાણાં ઉપાડવાની મંજુરી આપી દીધી છે.આનો અર્થ એ થયો કે, પીએમસી બેંકના ખાતા ધારકો અથવા તો ડિપોઝિટરો તેમની બેંકના એટીએમમાંથી પણ ૫૦૦૦૦ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે.

(8:10 pm IST)