Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

શરદ પવારે ઘડયો પ્લાન

કોંગ્રેસના બહારથી સમર્થન સાથે મહારાષ્ટ્રમાં શિવસેના- એનસીપીની સરકાર રચવામાં આવે

શિવસેનાના નેતૃત્વવાળી સરકારનો હીસ્સો બની શકે છે એનસીપીઃ સ્પીકર પદ માંગ્યું

મુંબઈ, તા.પઃ મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ ખેંચતાણ સતત ચાલી રહી છે. બીજેપી  અને શિવસેનાની વચ્ચે હજુ સુધી સુમેળ સધાયો નથી. આ દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના ત્યાં સાથે મળી સરકાર બનાવી શકે છે, જયારે કોંગ્રેસ આ ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી શકે છે.

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા'ના રિપોર્ટ મુજબ, સરકાર રચવા માટે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવારની વચ્ચે સોમવારે દિલ્હીમાં લાંબી ચર્ચા થઈ. અખબારે દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટીના એક નેતાએ નામ ન પ્રકાશિત કરવાની શરતે કહ્યુ કે એનસીપી-શિવસેનાની સાથે મળી સરકાર બનાવવા માટે તૈયાર છે. કોંગ્રેસ બહારથી સમર્થન આપશે. આ ઉપરાંત કોંગ્રેસના જ એક નેતાને વિધાનસભામાં સ્પીકરની પોસ્ટ આપવામાં આવી શકે છે. એનસીપીના એક નેતાએ કહ્યુ કે, અમે સરકાર બનાવવા માટે એ જ ફોર્મ્યૂલા રાખ્યો છે જે ૧૯૯૫માં શિવસેના-બીજેપીએ નક્કી કર્યો હતો.

આ પહેલા સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ શરદ પવારે કહ્યુ હતું કે, બીજેપી-શિવસેનાને પૂર્ણ બહુમત મળ્યું છે, સરકાર બનાવવાની જવાબદારી તેમની પર છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે એનસીપી સમર્થન આપશે. તો તેના જવાબમાં શરદ પવારે કહ્યુ કે, અમને હજુ સુધી કોઈએ પૂછ્યું નથી. શિવસેના તરફથી હજુ સુધી કોઈએ અમારી સાથે વાતચીત નથી કરી કે ન તો અમારા તરફથી આવો કોઈ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ૨૧ ઓકટોબરે આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું. ૨૮૮ સીટોવાળી વિધાનસભામાં બીજેપીને ૧૦૫, શિવસેનાને ૫૬, કોંગ્રેસને ૪૪ અને એનસીપીને ૫૪ સીટો મળી છે. સરકાર રચવા માટે કોઈ પણ પાર્ટીને ૧૪૫ ધારાસભ્યો જોઈએ. શિવસેના અને બીજેપીએ ગઠબંધન કરી ચૂંટણી લડી હતી.

(11:03 am IST)