Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે બંધઃ અમરનાથ યાત્રા સંદર્ભે પણ અસમંજસ

એર ઈન્ડીયાએ તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધી તમામ ડોમેસ્ટીક-ઈન્ટરનેશનલ ઓપરેશન્સ બંધ રાખવાનો નિર્ણય કર્યો : મે, જૂન, જુલાઈમાં યોજાતી કૈલાસ માનસરોવર યાત્રા માટે ત્રણ મહિના પહેલા તો ચીનના વિઝા માટે એપ્લાઈ થવુ પડે છેઃ અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન ૧૫ એપ્રિલ સુધી સ્થગિત

રાજકોટ, તા. ૪ :. હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે અને સમગ્ર વિશ્વની ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝને અબજો-ખરબો રૂપિયાનું નુકશાન ગણાવાઈ રહ્યુ છે ત્યારે દર વર્ષે સામાન્ય રીતે મે મહિનામા પ્રારંભ થઈ જૂન, જુલાઈ, ઓગષ્ટ (સંભવિત) સુધી ચાલતી કૈલાસ માનસરોવર યાત્રા આ વખતે બંધ જ રહે તેવુ સાંભળવા મળી રહ્યુ છે, કારણ કે કૈલાસ માનસરોવરની યાત્રાએ જવા માટે ત્રણ મહિના અગાઉ તો ચીનના વિઝા માટે એપ્લાઈ થઈને વિઝા મેળવવા પડતા હોવાનું જાણવા મળે છે, પરંતુ હાલમાં તો કોરોનાને કારણે ચીન દ્વારા અન્ય દેશના લોકોને વિઝા આપવાનું સદંતર બંધ જ હોય, કૈલાસ માનસરોવર યાત્રામાં આ વખતે ભારતીયો જઈ શકે તેવી સંભાવના નહિવત દેખાઈ રહી છે.

સાથે-સાથે દર વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા સંદર્ભે ભારતનું વિદેશ મંત્રાલય પણ કુમાઉ મંડળ વિકાસ નિગમ (કેએમવીએન) - ઉતરાખંડ, ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ પીઠોરગઢ જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરી સહયોગ સાધતુ હોય છે કારણ કે આ વિસ્તારો એક યા બીજી રીતે કૈલાસ માનસરોવર યાત્રા સાથે સંકળાયેલા છે પરંતુ હજુ સુધી યાત્રાનો જથ્થો, યાત્રિકોની સંખ્યા કે યાત્રાના રૂટ સંદર્ભે પણ કોઈ ચર્ચા કે મિટીંગ થઈ ન હોવાનું જાણવા મળે છે. જેથી આ વખતે કૈલાસ માનસરોવર યાત્રા આ વખતે સ્થગિત રહે તેવુ દેખાઈ રહ્યુ છે. લગભગ છેલ્લા ૪ દાયકામાં (૪૦ વર્ષમાં) કૈલાસ માનસરોવર યાત્રા ત્રીજી વખત સ્થગિત થશે તેવા સંજોગો ઉભા થયા છે. અગાઉ ૧૯૯૮ તથા ૨૦૧૩માં કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત થઈ હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

સાથે સાથે ૨૩ જૂનથી શ્રીનગરથી શરૂ થતી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન પણ દેશમાં કોરોના તથા લોકડાઉનની સ્થિતિને કારણે ૧૫ એપ્રિલ, ૨૦૨૦ સુધી સ્થગિત કરી દીધાનું જાણવા મળે છે. માત્ર ગુજરાતમાંથી દર વર્ષે ૫૦ હજાર જેટલા લોકો બાબા અમરનાથના દર્શને જતા હોય છે.

નિયમ મુજબ આ વખતે અમરનાથ યાત્રા રક્ષાબંધનને દિવસે ૩ ઓગષ્ટના રોજ પૂર્ણ થશે. જો ૧૫ એપ્રિલ પછી પરિસ્થિતિ અનુરૂપ અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થશે તો પણ આ વખતે યાત્રાનો સમયગાળો ટૂંકો હશે તેવુ અગ્રણી ટૂર ઓપરેટર્સ જણાવી રહ્યા છે. જો કે આ વર્ષે તો હિમવર્ષા પણ ખૂબ જ થઈ હોવાથી બર્ફાની બાબાના અલૌકિક દર્શનનો પણ અસામાન્ય લાભ મળશે તેવી ચર્ચા છે.

આ ઉપરાંત ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝ સંદર્ભે અન્ય વાત કરીએ તો ભારત સરકારનું સાહસ ગણાતી એર ઈન્ડીયા એરલાઈન્સે તેના તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ઓપરેશન્સ તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધી બંધ રાખ્યાનું જાણવા મળે છે.

વિશ્વના તમામ દેશોની અલગ અલગ 'ડેસ્ટીનેશન્સ પોલીસી' જોવા મળતી હોય છે ત્યારે કયારે કયા દેશની 'એવીયેશન પોલીસી' હાલની કોરોનાગ્રસ્ત સ્થિતિમાં ફેરફાર પામે તે કહેવુ મુશ્કેલ બની જાય છે.

(3:58 pm IST)