Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મહારાષ્ટ્રઃ ઝડપથી કેસ વધી જતા સંખ્યા વધીને હવે ૪૯૦

લોકડાઉનની અવધિ લંબાવાય તેવી શકયતા : એકલા મુંબઇમાં ર૪ કલાકમાં જ વધુ ૪૩ કેસો સપાટીએ : મહારાષ્ટ્રમાં ૪૭ નવા કોરોના કેસઃ મુંબઇ-ર૮, થાણે-૧પ, અમરાવતી-૧, પુણે-ર અને પીપરી-૧: કુલ કેસ પ૩૭ થયા

નવી દિલ્હી, તા. ૪: વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ભારે હાહાકાર મચી ગયો છે. દેશમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્માં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઇને એવા સંકેત મળી રહ્યા છે કે અહીં લોકડાઉનનો  ગાળો વધારવામાં આવી શકે છે. કારણ કે કેસો વધી રહ્યા છે. દેશના તમામ રાજ્યો યુદ્ધના સ્તર પર પગલા લઇ રહ્યા હોવા છતાં સ્થિતી બેકાબુ બનેલી છે. મહારાષ્ટ્રમાં હજુ સુધી કેસોની સંખ્યા ૪૯૦ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. મહારાષ્ટ્કમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યુ છે કે પ્રદેશના કેટલાક હિસ્સામાં લોકડાઉનનો ગાળો વધારી દેવામાં આવી શકે છે. ટોપેએ વધુમાં કહ્યુ છે કે હાલમાં જ આવેલા કેટલાક નવા કેસોને ધ્યાનમાં લઇને પ્રદેશના કેટલાક હિસ્સામાં લોકડાઉનની અવધિને લંબાવી શકાય છે. લોકડાઉનની અવધિ દેશમાં ૧૪મી એપ્રિલના દિવસે પૂર્ણ થવા જઇ રહી છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ વ્યક્તિગતરીતે આ પ્રકારની ઇચ્છા રાખે છે. લોકડાઉનની અવધિ વધવાથી લાભ થઇ શકે છે. જો કે સરકાર તરફથી આવો કોઇ નિર્ણય કરવામાં આવી રહ્યો નથી. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મોતનો આંકડો વધીને ૨૬ ઉપર પહોંચી ચુક્યો છે. મુંબઇમાં હવે સીઆઇએસએફના છ જવાનો પણ કોરોના વાયરસના શિકાર આવ્યા છે. વાણિજ્ય પાટનગર મુંબઇમાં હાલત ખરાબ થઇ રહી છે. અહીં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મુંબઇના ધારાવીમાં કોરોનાના કેટલાક પોઝિટીવ કેસ સપાટી પર આવતા ચિંતા વધી ગઇ છે. આવી સ્થિતિમાં તંત્ર સામે કોરોનાને રોકવા માટેની બાબત પડકારરૂપ બની ગઇ છે. એકલા મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૨૭૮ સુધી પહોંચી ગઇ છે. રાજ્યમાં નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. 

(3:57 pm IST)