Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

માસ્ક અને સેનેટાઈઝર માંગતા યુપી મેડીકલ સ્ટાફને હાથ-પગ તોડવાની ધમકીઃ પ્રિયંકા ગાંધીએ શેર કર્યો વીડીયો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની બાંદા રાજકીય મેડિકલ કોલેજમાં આઉટસોર્સિંગ પર તૈનાત સ્ટુડન્ટ મેડિકલ સ્ટાફનો વીડિયો શેર કર્યો છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ ૨૩૦૦થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુકયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની બાંદા રાજકીય મેડિકલ કોલેજમાં આઉટસોર્સિંગ પર તૈનાત સ્ટુડન્ટ મેડિકલ સ્ટાફનો વીડિયો શેર કર્યો છે.સ્ટુડન્ટ્સને કોરોના વાયરસની સારવાર માટે બનેલા આઈસોલેશન સેન્ટરમાં તૈનાત કરાયા છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલ તંત્ર પાસે સેનેટાઈઝર અને માસ્ક માંગવામાં આવતા ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સેલરી પણ કોઈ જાતના કારણ વગર કાપી દેવામાં આવી છે. સ્ટુડન્ટ્સે એવો પણ આરોપ લગાવ્યો કે અમને કહેવામાં આવ્યું કે, અહીંયાથી જતા રહો નહીંતર હાથ પગ તોડી નાંખવામાં આવશે, યોગીજીનો આદેશ છે તમને કાઢવા માટે.

પ્રિયંકા ગાંધીએ આ વીડિયો શેર કરતાં કહ્યું કે, હાલના સમયે આપણે મેડિકલ સ્ટાફને સૌથી વધારે સહયોગ આપવાની જરૂર છે. જે જીવનદાતા છે અને યોદ્ઘાની જેમ મેદાનમાં છે. બાંદામાં નર્સો અને મેડિકલ સ્ટાફ સાથે ખૂબ અન્યાય કરવામાં આવી રહ્યો છે.પ્રિયંકાએ કહ્યું, યુપી સરકારને અપીલ કરૃં છું કે તેઓ આ યોદ્ઘોની વાત સાંભળે અને તેમને થઈ રહેલા અન્યાયનો ઉકેલ લાવે.

(3:54 pm IST)