Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મહામંદી જેવી સ્થિતિ સર્જાવાનો ડર

કરોડો લોકોની નોકરીઓ પર લટકતી તલવાર

વોશિંગ્ટન, તા.૪: અડધાથી ઉપર દુનિયા કોરોના સામે પોતાની ફેકટરીઓ, કારખાનાં અને ઓફિસો બંધ રાખીને જંગ લડી રહી છે. નાગરિકો દ્યરમાં પૂરાયેલા છે અને રસ્તા સૂમસામ પડ્યા છે. સવાલ એ છે કે જયારે કામધંધા જ ઠપ્પ થઈ ગયા હોય ત્યારે અર્થતંત્ર પર તેની કેવી અને કેટલી અસર પડે? હાલની સ્થિતિની જ જો વાત કરીએ તો હવે તેની સરખામણી ૧૯૩૦ની મહામંદી સાથે થવા લાગી છે. કારણકે, કોરોનાના લીધે અનેક દેશોમાં બેરોજગારી ઐતિહાસિક સપાટીએ પહોંચી ચૂકી છે.

 

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનું માનીએ તો, કોરોનાને કાબૂમાં ના કરાયો તો અઢી કરોડથી વધુ કામદારો બેકાર બનવાની પૂરી સંભાવના છે. યુરોપથી લઈને અમેરિકા સુધી હાલ અર્થતંત્ર થીજી ગયું છે, અને હાલત ૧૯૩૦ની મંદી કરતા જરાય સારી કહી શકાય તેવી નથી. ડોઈચે બેંકના હેડ ઓફ ઈકોનોમિક રિસર્ચ પીટર હુપરનું કહેવું છે કે, અમેરિકા અને યુરોપમાં નજીકના ભવિષ્યમાં જ ઘણી કપરી સ્થિતિ સર્જાશે. તેના આંચકા મહામંદી જેવા જ હોઈ શકે છે.

બેરોજગારી વધવાથી સરકારો અને મધ્યસ્થ બેંકો પર બેકાર બનેલા કામદારોને આર્થિક મદદ આપવા તેમજ તેમના માટે પેકેજ જાહેર કરવા ભારે દબાણ સર્જાશે. કોરોના કાબૂમાં ના આવે ત્યાં સુધી નોકરીઓ ના જાય તે સુનિશ્ચિત કરવું સરકાર માટે અદ્યરું બની રહેશે. જો તેમ ન થઈ શકયું તો મંદીની અસર ઓર ઘેરી બનશે, અથવા તેમાંથી બહાર આવવું વધુ અઘરું બની જશે.

યુરોપ કે જાપાન જેવા દેશો કરતાં અમેરિકાની હાલત વધુ કફોડી બનશે તેવું તજજ્ઞોનું માનુ છે. શુક્રવારે જ અમેરિકાના માસિક રોજગાર રિપોર્ટમાં જણાવાયું હતું કે ૧૦ વર્ષમાં પહેલીવાર નોકરીઓ દ્યટી છે. પગારો અર્થશાસ્ત્રીઓની ધારણાથી વધુ પ્રમાણમાં ઘટયા છે.

બ્રિટનમાં છેલ્લા બે સપ્તાહમાં ૧૦ લાખથી વધુ લોકોએ સરકારની સહાયતા માટે અરજી કરી છે. આ આંકડો સામાન્ય સંજોગો કરતાં ૧૦ ગણો વધારે છે. દેશમાં ટૂંકાગાળામાં નોકરીઓ પણ ૨૭ ટકા જેટલી દ્યટી શકે છે. સ્પેનમાં બેરોજગારીનો દર ૧૪ ટકા પર પહોંચ્યો છે, જે વિકસિત દેશમાં સૌથી વધુ છે. ઓસ્ટ્રિયાની પણ આ જ હાલત છે, જયાં બેરોજગારીનો દર ૧૨ ટકા પર પહોંચી ગયો છે.

જર્મનીમાં ૪.૭૦ લાખ કંપનીઓએ કામકાજના કલાકો દ્યટાડવા માટે સરકારને જણાવ્યું છે. ફ્રાંસમાં પણ ઉદ્યોગોએ કર્માચારીઓને પગાર ચૂકવવા માટે સરકાર પાસે મદદની માગ કરી છે. એશિયાની હાલત પણ આવી જ છે. થાઈલેન્ડની ત્રીજા ભાગની વસ્તીએ ૨૮ માર્ચથી સરકારે શરુ કરેલી સહાયતા મેળવવા માટે અરજી કરી છે. આ યોજના ૯૦ લાખ લોકોને ત્રણ મહિના સુધી ૪૫૫ ડોલર ચૂકવી શકાય તેટલું બજેટ ધરાવે છે, પરંતુ તેના લેવાલ હાલ અનેકગણા વધી ગયા છે.

ભારતની સ્થિતિ પણ આવનારા દિવસોમાં કપરી બની શકે છે. દેશના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો લોકડાઉન સામે ઝઝૂમી રહ્યા છે. કામદારોને પગાર ચૂકવવાના પણ તેમને ફાંફા છે. હાલના જ એક રિપોર્ટ પ્રમાણે દેશમાં આગામી બે મહિનામાં ૫-૭ લાખ MSME યુનિટ્સ બંધ થઈ જવાની શકયતા છે. જેનાથી લાખો લોકો બેરોજગાર બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

(3:53 pm IST)