Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આવતીકાલે રાત્રે ૯ મિનિટે એકસાથે લાઇટો બંધ થાય અને એકસાથે ચાલુ થાય તો 'ભડાકા' થવાનો નો ભય !

રાજકોટ સહિત આખા દેશમાં ૯ મીનીટ લોડ ઘટશે અને પછી ૯ મિનિટ બાદ એકાએક લોડ વધી જશેઃ જબરી મથામણ : જીઇબીના ટોચના ઓફીસરો-સરકાર વચ્ચે લોડ સ્થિતિ જાળવતા જાંબુવા ખાતે સાંજે પ વાગ્યે તાકિદની મીટીંગ : પછી લોકો માટે અને ઇજનેરો માટે ગાઇડ લાઇન જાહેર થશેઃ કેવી રીતે લોડ ઘટી શકે-ખેતીવાડીના વધારાના કયા ફીડરો ચાલુ કરવા રી એકટર ચાલુ કરવા લાઇનો કઇ ચાલુ કરવી-બંધ કરવી તે અંગે નિર્ણયો લેવાશેઃ હાલ જબરી ચર્ચા

રાજકોટ તા. ૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાને દેશવટો આપવા કમરકસી છે, ર૧ દિ'નું લોકડાઉન જાહેર કર્યું, તાલીઓ-પડાવી-થાળીઓ વગડાવી, હવે કાલે રાત્રે ૯ કલાક અને ૯ મીનીટે ૯ મીનીટ સુધી રાજકોટ સહિત દેશભરમાં વીજ પુરવઠો બંધ કરવા અને દિપક પ્રગટાવવા, ટોર્ચની લાઇટ કે મોબાઇલની લાઇટો ચાલુ કરી કોરોના વાયરસને નેસ્ત નાબુદ કરવા હાકલ કરી છે. પરંતુ જબરો ભય હવે ઉભો થયો છે. જીઇબીના ટોચના વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ૯ મીનીટ એકી સાથે બધી લાઇટો બંધ થાય કે જેમાં ટયુબ-બલ્બ-પંખા-એસી-ફ્રીજનો સમાવેશ થાય છે, તો લોડ-એકદમ ઘટી જશે, અને ૯ મીનીટ બાદ બધુ એકી સાથે ચાલુ થાય તો લોડ એકાએક વધી જશે, વોલ્ટેજનું ફલકચ્યુએશન નોંધાશે, જે દરેકના ઘરના તમામ ઇલેકટ્રીક ઇકવીપમેન્ટ માટે જબરૂ હાનિકારક બની રહે.

પરિણામે તંત્ર ચિંતાતુર છે, અને આવું ન બને અને લોડનું આખા ગુજરાતમાં બેલેન્સ જળવાઇ રહે તે માટે આજે સાંજે પ વાગ્યે રાજયનું મુખ્ય લોડ ડીસ્પેચીંગ સેન્ટર જાંબુવા ખાતે સરકાર અને વીજતંત્રના હાઇલેવલ અધીકારીઓની મીટીંગ મળી રહી છે, જેમાં રાજકોટથી ચીફ ઇજનેરશ્રી ગાંધી, એમડીશ્રી શ્વેતા તેઓટીયા પણ હાજર રહે તેવી શકયતા છે.

આ મીટીંગમાં લોડ બેલેન્સ કેમ કરવો, લોડ કઇ રીતે ઘટી શકે, નેશનલ ગ્રીડની લાઇનો છે, તેનું શું કરવું, ખેતીવાડીના ઘણાખરા ફીડરો છે, તે ચાલુ કરવા, રીએકટર ચાલુ કરવા, લાઇનો કઇ ચાલુ રાખવી, કઇ બંધ રાખવી, વિગેરે નિર્ણય લેવાશે, અને ત્યારબાદ તંત્ર ગાઇડલાઇન જાહેર કરે તેવી શકયતા છે. દરમિયાન પીજીવીસીએલના સૂત્રો ઉમેરે છે કે, જેથી બીજા બધા સાધનો ચાલુ રાખી ફકત પ્રકાશ ફેલાવનાર સાધનો જેવા કે બલ્બ અને ટયુબલાઇટ જેવા સાધનો જ બંધ કરવા અને તમારા પંખા, કોમ્પ્યુટર, ટીવી, ફ્રીજ, એસી, ઓવન જેવા તમામ સાધનો અચૂક ચાલુ રાખવા જેથી સિસ્ટમમાં વોલ્ટેજનું ફલકચ્યુએશન થશે નહિં.

આથી મિત્રોને સલાહ છે કે સાવચેતી ને ધ્યાનમાં લઇ રવિવારે રાત્રે ૯ વાગ્યે ફકત પ્રકાશ ફેલાવનાર જ ઇલેકટ્રીક સાધનો બંધ કરવા, બીજા બધા સાધનો ચાલુ રાખવા, નહિંતર તો એકાએક વોલ્ટેજમાં વધારો ઘટાડો થતાં ઇલેકટ્રીક સીસ્ટમ ખોરાવાની શકયતાને લીધે લાંબો સમય વીજળી વગર રહેવાની નોબત આવી શકે છે.

(3:27 pm IST)