Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગુજરાતમાં ૧૪મી પછી લોકડાઉનમાં તબક્કાવાર છુટ અપાશે

એક સાથે બધાને નીકળી પડવાની છુટ મળશે તેવું માનવું નહિ, બધુ થાળે પડતા ઉનાળો પૂરો થઇ જશે : કેન્દ્રના નિર્ણય પર મોટો આધાર : જયાં કોરોનાના વધુ કેસ હોય ત્યાં છુટછાટ નહિ : અન્યત્ર વારા-ફરતી ધંધા-રોજગારની છુટની વિચારણા : આંતરરાજય અને રાષ્ટ્રીય પ્રવાસ પર અનિશ્ચિત મુદત સુધી નિયંત્રણ

રાજકોટ, તા. ૪ :. ભારત સરકારે ૧૪ એપ્રિલ સુધી ૨૧ દિવસનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલ છે. જો કેન્દ્ર દ્વારા લોકડાઉનની મુદત લંબાવવામાં ન આવે અથવા રાજ્યોને પોતાની પરિસ્થિતિ અનુરૂપ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવે તો ગુજરાતમાં ૧૪ એપ્રિલ પછી એક સાથે સંપૂર્ણ છૂટ આપી દેવાના બદલે તબક્કાવાર છૂટ આપવાની વિચારણા થઈ રહ્યાનુ જાણવા મળે છે. ૧૪મી સુધીમા કોરોનાની શું સ્થિતિ થાય છે ? અને કેન્દ્ર તરફથી શું આદેશ આવે છે ? તેના પર ગુજરાતના આગળના જનજીવનના ધબકારનો આધાર રહેશે. પરિસ્થિતિ સુધરી ન હોય તો લોકડાઉન પુરૂ કરી દેવાથી જનઆરોગ્ય પર જોખમ વધે અને લોકડાઉન લંબાવે તો લોકોની આર્થિક સ્થિતિ વધુ કથળી જવાની ભીતિ છે.  જો કેન્દ્ર તરફથી છૂટ મળે તો ૧૪ એપ્રિલ પછી ગુજરાતમાં ધંધા-રોજગાર અને લોકોને બહાર નિકળવાની તબક્કાવાર છૂટ આપવામાં આવે તેવી શકયતા છે. અમુક વિસ્તારો અથવા અમુક ધંધાઓને અમુક સમય સુધી છૂટ મળે તેવુ વિચારાધીન છે. રેલ્વે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. ગુજરાતમાં ૧૪ એપ્રિલ સુધી એસ.ટી. બસ બંધ છે. ત્યાર પછી પણ સરકાર એસ.ટી. બસ ચાલુ કરવામાં ઉતાવળ કરે તેવુ અત્યારે દેખાતુ નથી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફલાઈટના બુકીંગ ૩૦ એપ્રિલ સુધી બંધ છે.

રાજ્યમાં જ્યાં કોરોનાના વધુ કેસ હોય ત્યાં નિયંત્રણ હળવુ થવામાં સમય લાગશે. ૧૪મી તારીખ પછી લોકડાઉન ઉઠી જાય તો પણ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નિયંત્રણ રહેશે. કોલેજ કક્ષાની પરીક્ષા અથવા માસ પ્રમોશનનો નિર્ણય બાકી છે. નવુ શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થનાર છે. અત્યારે જનજીવન મહદઅંશે થંભી ગયુ છે. ૧૪ એપ્રિલે સ્થિતિ નોંધપાત્ર સુધારા પર હોય તો વારાફરતી છૂટ મળે તેવા અત્યારના એંધાણ છે. જે તે વખતે પરિસ્થિતિની સમીક્ષા કરીને આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે.

(3:25 pm IST)