Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના પછી વધુ એક ખતરો

ચાલુ વર્ષે ૧૬થી વધુ દરીયાઇ વાવાઝોડા ત્રાટકશે

૮ વાવાઝોડા હરીકેનની શ્રેણીના હશેઃ ૪ તબાહીવાળા તથા બાકીના સામાન્ય પ્રકારનાઃ વૈજ્ઞાનિકોએ નામ પણ જાહેર કર્યા

મિયામી,તા.૪: કોલોરોડો સ્ટેટ યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાનીઓએ આ વર્ષે દુનિયાભરમાં ૧૬થી વધારે સમુદ્રી તોફાનો આવવાની આગાહી કરી છે. તેમાં આઠ હરિકેન પણ સામેલ છે. આ આઠમાંથી ચાર તોફાન અત્યંત ખતરનાક અને શકિતશાળી હશે.

નિષ્ણાંતોએ કહ્યું કે અમને આ વર્ષે ફરીથી મોટી ગતિવિધીઓ થવાના સંકેત મળ્યા છે. હવામાન શાસ્ત્રી ફિલ કલોટઝબેકે કહ્યું કે અમારૂ અનુમાન છે કે ૨૦૨૦માં એટલાન્ટીક બેઝીન હરિકેન હવામાનની ગતિવિધી સામાન્યથી ઉપર હશે. જે હરિકેન તોફાનની શ્રેણી ૩ થી ૫ હશે તે મોટા તોફાન બની જશે. તેમાં ૧૧૧ માઇલ પ્રતિ કલાક અને તેનાથી વધારે ઝડપી હવાઓ ચાલશે. અનુમાન છે કે આ તોફાનો ૧ જુનથી ૩૦ નવેમ્બર દરમ્યાન આવશે.

કલોરઝબેકે કહ્યું આ મોટા તોફાનોથી ભૂસ્ખલન થવાના સંકેતો પણ મળ્યા છે. તેમના અનુસાર, આ વર્ષે ઓછામાં ઓછું એક મોટા તોફાનમાં અમેરિકાના કિનારાઓ પર ૬૯ ટકા ભૂસ્ખલન થવાની શકયતા છે. જો કે આગાહીમાં સચોટ રીતે તે અનુમાન નથી લગાવી શકાયું કે તોફાનો કયા સ્થળોએ ત્રાટકશે. કલોટઝબેક અને અન્ય નિષ્ણાંતોએ જણાવ્યું કે એટલાંટિક બેઝીનમાં દર વર્ષે સરેરાશ ૧૧ ઉષ્ણકટીબંધીય તોફાનો થાય છે જેમાં છ હરિકેન હોય છે.

હરિકેન એક એવા પ્રકારનું તોફાન છે જેને ઉષ્ણકટીબંધીય ચક્રવાલ કહેવામાં આવે છે. એ શકિતશાળી અને વિનાશકારી તોફાન હોય છે.તેની ઉત્પતિ એટલાન્ટીક બેઝીનમાં થાય છે. વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે કોઇ ઉષ્ણ કટીબંધીય તોફાનની હવાની ઝડપ ૭૪ માઇલ પ્રતિકલાકથી વધી જાય ત્યારે તે હરિકેન બની જાય છે. તેની તીવ્રતાને સેફીર-સિમ્પસન હરિકેન વીન્ડ સ્કેલથી માપવામાં આવે છે.

વાવાઝોડાના નામ

આર્થુર, બેરથા, ત્રિસ્ટોબલ, ડોલી, એડુઅર્ઠ, ફે, ગોંન્જાલો, હન્ના, ઇજાઇઅસ, જોસફીન, કેલી, લોરા, માર્કો, નાના, ઓમ, પોલેટ, રેને, સેલી, ટેડી, વિક્કી, વિલ્ફ્રેડ

 

(11:42 am IST)