Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સ્પેનમાં ૨૪ કલાકમાં ૯૩૨ કોરોનાગ્રસ્તોના મોત

ઈટાલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત નિપજયા છે

મેડ્રિડ, તા.૪: સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ૯૦૦થી વધારે લોકોના મોત નિપજયા છે. દેશમાં આવું સતત બીજી વખત થયું છે જયારે સંક્રમણના કારણે એક જ દિવસમાં ૯૦૦થી વધારે લોકોના મોત નિપજયા હોય. સરકાર તરફથી શુક્રવારના રોજ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઈટાલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત નિપજયા છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૨ લોકોએ કોરોના વાયરસના કારણે અંતિમ શ્વાસ ભર્યા છે.

દેશમા અત્યાર સુધીમાં આ સંક્રમણના કારણે ૧૦,૯૩૫ લોકો મોતને ભેટી ચૂકયા છે તેમજ ૧,૧૭૬,૭૧૦ લોકો જીવલેણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પરથી એ વાતની પુષ્ટિ થાય છે કે નવા કેસ અને મૃતકોની સંખ્યામાં વૃદ્ઘિ થવાના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે.

ગયા અઠવાડિયાના મધ્યમાં સંક્રમણ દર ૨૦ ટકા અને ગુરૂવારના રોજ ૭.૯ ટકા વધી ગયો હતો જયારે નવા આંકડાઓ અનુસાર તેમાં ૬.૮ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત દરરોજ કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં થઈ રહેલા વધારાના દરમાં પણ દ્યટાડો નોંધાયો છે. શુક્રવારના રોજ મૃતકની સંખ્યામાં ૯.૩ ટકાના દરથી વૃદ્ઘિ થઈ હતી જયારે ગુરૂવારના રોજ આ દર ૧૦.૫ ટકા અને ૨૫ માર્ચના રોજ આ દર ૨૭ ટકા હતો.

(10:16 am IST)