Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નિઝામુદીન જમાતના મૌલાના

મરવા માટે મસ્જિદથી વધારે સારી જગ્યા ન હોઈ શકે

જો કોઈ કહે કે મસ્જિદમાં જવાથી બીમારી ફેલાશે, તો તે વિચાર પાયાવિહોણો છેઃ મૌલાના સાદ

નવી દિલ્હી, તા.૧: નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના લગભગ ૧૫૦૦ લોકો ભલે અત્યાર સુધી પોતાની જાતને ત્યાં ફસાયેલા ગણાવતા હોય પરંતુ જમાતના પ્રમુખના વાયરલ થઈ રહેલા ઓડિયોમાં કંઈક અલગ જ વાત બહાર આવી છે. તબલીગી જમાતના મૌલાના સાદનો એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કોરોનાનો ઉલ્લેખ કરીને કહી રહ્યા છે કે મરવા માટે મસ્જિદ કરતા વધારે સારી જગ્યા કોઈ હોઈ જ ન શકે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે લોકોને એ વાતની જાણકારી હતી કે આવી રીતે એક જગ્યાએ જમા થવામાં કોરોનાના સંક્રમણનો ખતરો છે.

વાયરલ ઓડિયોમાં મરકઝના ચીફ મૌલાના સાદ અનેક વાતો કરતા સાંભળાઈ રહ્યા છે. આ દરમિયાન ત્યાં કેટલાક લોકો પાછળથી ઉધરસ પણ ખાઈ રહ્યા છે. ઓડિયો પરથી લાગી રહ્યું છે ત્યાં પહેલેથી જ કોઈ કોરોના સંક્રમિત વ્યકિત હાજર હતો પરંતુ તેની તરફ ધ્યાન આપવામાં નહીં આવ્યું હોય.

મૌલાના સાદ ઓડિયોમાં કહેતા સંભળાઈ રહ્યા છે કે એવો વિચાર આવવો પણ વ્યર્થ છે કે મસ્જિદમાં જમા થવાથી બીમારી ફેલાશે, હું કહું છું કે જો તમને એવો કોઈ દાખલો જોવા પણ મળી જાય કે મસ્જિદમાં આવવાથી કોઈ વ્યકિત મોતને ભેટશે તો પણ મૃત્યુ માટે મસ્જિદ કરતા વધારે સારી અને પવિત્ર જગ્યા બીજી કોઈ જ ન હોઈ શકે.

જમાતના મૌલાના ઓડિયોમાં કહી રહ્યા છે કે અલ્લાહ પર વિશ્વાસ રાખો, જે લોકો કુરાનની જગ્યાએ છાપા વાંચે છે તેઓ ડરના માર્યા દોડતા થઈ જાય છે. અલ્લાહ કોઈ મુસિબત એટલા માટે જ લાવે છે જેથી તેઓ જોઈ શકે કે આવી પરિસ્થિતિમાં તેમના બંદા શું કરે છે. કોઈ કહે કે મસ્જિદોને બંધ કરી દેવી જોઈએ, તાળા લગાવી દેવા જોઈએ કારણ કે તેનાથી બીમારી ફેલાય છે તો આવા પાયાવિહોણા વિચારોને તમે તમારા મગજમાંથી કાઢી નાખવા જોઈએ.

નોંધનીય છે કે, દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં એક ધાર્મિક મેળાવડામાં હાજર અનેક લોકોને ઘાતક કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. ૧૩ થી ૧૫ માર્ચના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૮,૦૦૦થી વધુ લોકો હાજર થયા હતા. તેઓ દેશના વિવિધ ભાગોમાં પહોંચ્યા બાદ કોરોનાગ્રસ્તોની સંખ્યામાં એક જ દિવસમાં ધરખમ વધારો થયો છે. દિલ્હીમાં ૨૪ લોકો એક જ દિવસમાં પોઝિટિવ જાહેર થયા છે. ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ કેસોમાં વધારો થયો છે.

નિઝામુદ્દીન વિસ્તારની એક મસ્જિદમાં ભેગી થયેલી આ ભીડમાંથી જ સાત લોકોનું કોરોનાને કારણે મોત થયાની વાત પણ પ્રકાશમાં આવી છે. તબલીગ જમાત જૂથના દિલ્હીના વડામથક 'મરકઝ નિઝામુદ્દીન' ખાતે ૨,૦૦૦થી વધુ લોકો અનેક અઠવાડિયાથી રહી રહ્યા છે. કોરોનાના વાયરસના લક્ષણો ધરાવતાં ૩૦૦થી વધુ લોકોને ગઇકાલે હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. સત્ત્।ાવાળાઓએ મરકઝ નિઝામુદ્દીનને સીલ કરી દીધું છે અને તેમાંથી ૭૦૦ લોકોને બહાર કાઢીને શહેરના વિવિધ ભાગોમાં કવોરેન્ટાઇન કરી દેવાયા છે.

તબલીગ જમાત એ ૧૯૨૬માં ઊભી કરાયેલી એક ઇસ્લામિક મિશનરી ચળવણ છે. આમાં વિશ્વભરમાંથી સભ્યો જોડાયેલા છે. આમાં દેશ-વિદેશથી ઉપદેશકો હાજર થાય છે અને ઉપદેશ આપે છે. ૧૩ થી ૧૫ માર્ચની આ ઇવેન્ટમાં ૮૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં ટૂરિસ્ટ વિઝા પર આવેલાં ૩૦૦ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. આ સભ્યોએ ૨૪ માર્ચે પોલીસને મેળાવડા અંગે માહિતી આપી હોવાનું કહેવાય છે. એક દિવસ બાદ પોલીસ તેમને એરપોર્ટ લઇ ગઇ હતી. પરંતુ ૨૬ માર્ચે લોકડાઉનને કારણે લોકો ફરીથી મસ્જિદમાં ભેગા થયા હતા. પોલીસ પહોંચી ત્યારે ૨૦૦૦ લોકો ત્યાં હતા.

(3:36 pm IST)