Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકામાં ૯/૧૧નો હુમલા કરતા પણ મોટું સંકટઃ કોરોના ૩૪૦૦ને ભરખી ગયો

સંક્રમિત લોકોની સંખ્યા ૧,૭૪,૬૯૭ છે અને માત્ર એક જ અઠવાડિયાની અંદર અમેરિકામાં આ આંકડો ૨૫ હજારથી સીધો ૧.૭ લાખ પર પહોંચ્યો છે

વોશિંગ્ટન, તા.૧: કોરોના વાયરસના કારણે અમેરિકામાં મરનારની સંખ્યા ૩,૪૦૦ પહોંચી છે અને ૧.૭૪ લાખ પોઝિટિવ કેસ દાખલ થયાં છે. જો અમેરિકાના માત્ર ૧૦૦ વર્ષના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન માનવીય આપદાઓમાંથી આ એક સૌથી મોટી આફત છે. મોતના આંકડાઓએ ૨૦૦૧ના ૯/૧૧ આતંકી હુમલા (૨,૯૯૬), ૧૯૦૬ના સાન ફ્રાન્સિસ્કો ભૂકંપ (૩૩૮૯) અને ૧૯૮૯ના સાઈકલોનને પણ પાછળ રાખ્યું છે. જેમાં આશરે ૩૦૦૦ લોકોના મોત થયા હતાં.

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસને ટ્રેક કરનાર એજન્સીઓના જણાવ્યાનુસાર અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા ૧,૭૪,૬૯૭ છે અને માત્ર એક જ અઠવાડિયાની અંદર અમેરિકામાં આ આંકડો ૨૫ હજારથી સીધો ૧.૭ લાખ પર પહોંચ્યો છે. અમેરિકાના તટીય રાજયમાં આ ૧૦૦ વર્ષની અંદર અનેક ભયંકર તોફાન આવ્યા છે. તેમજ અનેકવાર જંગલમાં પણ ભીષણ આગની ઘટનાઓ બની હતી. જોકે જે દ્યટનાને અમેરિકા કયારેય નહીં ભૂલે તે ઘટના છે ૯/૧૧, જયારે અમેરિકાના વિમાનને હાઈજેક કરીને અલકાયદાના આતંકીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો સાથે અથડાવ્યા હતાં. આ ઘટનામાં આશરે ૩૦૦૦ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.

થોડા દિવસો પહેલા જ અમેરિકાના ટોપ હેલ્થ એકસપર્ટ્સે ટ્રમ્પ સરકારને ચેતવણી આપી હતી કે દેશમાં એક લાખથી વધારે લોકોના કોરોનાથી મૃત્યુ થઈ શકે છે. આ ઉપરાંત વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિને પણ એ અનુમાન દર્શાવ્યુ હતું કે ૨૦ એપ્રિલ સુધીમાં દેશમાં મૃત્યુદર ૨૦૦૦ સુધી પહોંચી જશે. જે ખૂબ જ પરેશાન કરનાર છે.

પોતાની ઉત્તમ સ્વાસ્થ્ય સેવા માટે દુનિયામાં ફેમસ અમેરિકા પર સ્વાસ્થ્ય સંકટ ઘેરાયું છે. પાર્ક અને રમતગમતના મેદાનમાં પણ અસ્થાયી હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. નેવીએ પણ ન્યૂયોર્ક પોર્ટ પર પોતાના જહાજમાં હોસ્પિટલ ઉભી કરી છે. જેમાં ૧૦૦૦ પથારીની ક્ષમતા છે.

ઈકોનોમી બચાવવા લોકડાઉનની જાહેરાત નહીં

કોરોનાથી હાલ તો માત્ર માનવીય ક્ષતિના જ રિપોર્ટ સામે આવી રહ્યાં છે. અર્થવ્યવસ્થાના નુકસાનનો અંદાજો નથી આવ્યો. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે અમેરિકાના હાલના આર્થિક વાતાવરણ અનુસાર AAA રેટિંગ જાળવી રાખ્યું છે પરંતુ સાથે જ એ પણ કહ્યું છે કે વાયરસથી દેશની હાલત બગડશે તો રેટિંગ પર અસર પડશે. અમેરિકાએ લોકોને ઘરની અંદર જ રહેવા જણાવ્યું છે પરંતુ હજુ ભારતની જેમ લોકડાઉનનો વિકલ્પ પસંદ કર્યો નથી. જેનું સૌથી મોટું કારણ ઈકોનોમીથી બચવાનું છે.

(10:50 am IST)