Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવધાન...કોરોનાએ સ્પીડ પકડીઃ કુલ ૫૨ મોતઃ ૧૬૧૮ કેસ

એક જ દિવસમાં ૩૧૫ કેસ સામે આવ્યાઃ કુલ કેસના ૪૦ ટકા કેસ માત્ર ૩ દિવસમાં બહાર આવ્યાઃ ૧૪ માર્ચે ૧૦૦ કેસ હતા અને ૩૧ માર્ચે ૧૬૧૮ થયાઃ પ્રથમ કેસ ૩૦ જાન્યુઆરીએ આવ્યો હતોઃ બે મહિનામાં જ ૧૫૦૦ની ઉપર કેસ થઈ ગયાઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૨ના મોત

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં કોરોના વાયરસ ફેલાવાની સ્પીડ ડબલ થઈ ગઈ છે. ગઈકાલે ઘાતક કોરોના વાયરસના ૩૧૫ કેસ સામે આવ્યા અને સાથે જ કુલ કેસની સંખ્યા વધીને ૧૬૧૮ થઈ છે. જેમાં કુલ ૫૨ લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૮૨ અને તામીલનાડુ ૫૭ જોવા મળ્યા હતા. દિલ્હીમાં ૨૩ કેસ નવા આવ્યા હતા.

દેશમાં પહેલો કેસ ૩૦ જાન્યુઆરીએ જોવા મળ્યો હતો. માત્ર બે મહિનામાં જ તે ૧૫૦૦ની ઉપર ચાલ્યો ગયો છે. ૧૪ માર્ચ પછી કેસમાં અચાનક વધારો થયો છે. કોરોના વાયરસના મામલા કેટલી ઝડપે વધે છે ? તેનો અંદાજ આનાથી લગાવી શકાય કે ૧૪ માર્ચે કેસોની સંખ્યા માત્ર ૧૦૦ હતી અને ૧૫ દિવસમાં જ એટલે કે ૩૧ માર્ચ સુધીમાં આ આંકડો ૧૬૦૦નો થયો છે.

કોરોના ભારતમાં કેવી રીતે સ્પીડ પકડે છે ? આ માટે છેલ્લા ૩ દિવસના આંકડા જોવા પડશે. કુલ કેસ ૪૦ ટકા કેસ એટલે કે ૬૨૬ આ ત્રણ દિવસમાં જોવા મળ્યા છે. કેસોની સાથે સાથે કોરોનાના મોતનો આંકડો પણ વધી રહ્યો છે અત્યાર સુધીમાં ૫૨ના મોત થયા છે. સૌથી વધુ કેસ સાથે મહારાષ્ટ્ર આગળ છે અને ૧૨ના મોત થયા છે.

તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દિલ્હીની સ્થિતિ બગડી છે. ગઈકાલે ૨૩ નવા દર્દીઓ નોંધાયા છે. દિલ્હીમાં જમાતના હેડ કવાર્ટરમાં ૧ થી ૧૫ માર્ચ વચ્ચે મરકજમાં ૨૦૦૦ લોકો રહ્યા હતા. આમાથી ૧૫૪૮ને હોસ્પીટલમાં દાખલ કરાયા છે. જેમાથી ૪૪૧માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે અને ૯૩ લોકોની કોરોનાની પુષ્ટી થઈ છે.

(10:45 am IST)