Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકામાં કોરોના ૨ લાખથી વધુ લોકોને ભરખી જશે

ટોચના બે વૈજ્ઞાનિકોએ કરી ભવિષ્યવાણીઃ સોશ્યલ ડીસ્ટન્સીંગ એક જ ઉપાય છે

વોશિંગ્ટન, તા. ૧ :. કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈની આગેવાની કરતી અમેરિકાની સરકારના બે ટોચના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ મહામારીથી લગભગ બે લાખ લોકોના મોત થઈ શકે છે એવુ જણાવ્યુ છે. વ્હાઈટ હાઉસના ટાસ્ક ફોર્સના સભ્ય એન્થની ફૌસી અને ડેબોરાહ બીરકશે કહ્યુ છે કે અમેરિકામાં સ્કૂલ, રેસ્ટોરન્ટ, સિનેમા અને તમામ બીનજરૂરી ગતિવિધિઓને બંધ કરવાવાળા સોશ્યલ ડીસ્ટન્સીંગના દિશાનિર્દેશો છતા ૧,૦૦,૦૦૦થી ૨,૪૦,૦૦૦ના મોત થઈ શકે છે.

આ બન્નેએ એવી ચેતવણી આપી છે કે જો કશુ ન કરાઈ તો અમેરિકામાં ૧.૫ મીલીયનથી ૨ મીલીયન સુધી મોતનો આંકડો જઈ શકે છે. બીરકશે એક ચાર્ટ રજૂ કરતા કહ્યુ છે કે, દેશમા મહામારીથી ૧ લાખથી ૨ લાખ ૪૦ હજાર લોકોના મોત થઈ શકે છે. તેઓએ કહ્યુ છે કે સોશ્યલ ડીસ્ટન્સીંગ કામ કરી રહ્યુ છે અને તે અસરકારક છે અને તે સારી રણનીતિ છે.

ડેબોરાહ બિરકશે કહ્યુ છે કે અહીં કોઈ મેજીક બુલેટ નથી કે નથી કોઈ જાદુઈ રસી કે થેરાપી આ માત્ર વ્યવહાર છે. સોશ્યલ ડીસ્ટન્સીંગથી જ મોતનો આંકડો ઘટાડી શકાય. તેમણે વ્હાઈટ હાઉસના ડેઈલી બ્રીફીંગ દરમિયાન આ મુજબ કહ્યુ હતુ.

(10:41 am IST)