Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પોલીસે ટોળાને કાબુમાં કરવા ડાઘિયા કૂતરા વાપર્યા તો પ્રોટેસ્ટરે પાળેલો સિંહ લાવીને બધાને ડરાવ્યા

બગદાદ તા ૨૬  :  સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવાનું હોય ત્યારે વિશાળ જનમેદનીનું ટોળું બેફામ બની જતું હોય છે, ઇરાકમાં છેલ્લા ઘણાં દિવસોથી જનતા રોડ પર ઊતરી આવી છે. ટાયરો બાળવા અને નારાબાજીવાળા સરઘસોની ભરમાર શરૂ થઇ છે. ટોળાને નાથવા માટે પોલીસ પણ બહુ જ કડક પગલાં લઇ રહી છે. ઠેર-ઠેર લોકોના જમાવડાઓને દુર કરવા માટે ઇરાકના બાબેલ પ્રાંતમાં તો પોલીસ ડાઘિયા કૂતરા લઇને ઊતરી હતી. કૂતરાઓના ડરથી જનતા તિતરબિતર થઇ જતી હતી, જોકે આવું એકાદવાર થયું એટલે એક પ્રોટેસ્ટર પોતાના ઘરમાં પાળેલો સિંહ લઇને નીકળી પડયો. અલબત, એ સિંહ સાંકળના પટ્ટેથી બાંધેલો હતો, પણ સિંહ જોઇને પોલીસ અને એના પાળતું ડોગીઝ ઊભી પુછડીએ ભાગ્યા. સોશ્યલ મીડિયા પર એક યુવક કારમાંથી પાળેલા સિંહને લઇને રોડ પર ઊતરે છે, એ ઘટનાનો વિડીયો વાઇરલ થયો છે. સિંહને જોઇને રોડ ખાલી થઇ જાય છે અને સિંહભાઇ સાઇડમાં જઇને રોડ પર આરામ ફરમાવતા બેસી જાય છે, એનો માલીક પણ ચેઇન સાથે એની બાજુમાં બેસી જાય છે. આ વિડીયો જોઇને સોશ્યલ યુઝર્સની કમેન્ટ્સ આવી છે કે આને કહેવાય ઇંટ કા જવાબ પત્થર સે.

(11:52 am IST)