Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વિજ્ઞાન ઉપર આધારિત ચાર દિવસીય પરિષદનું આયોજન

રૂપાણી સહિતના મહાનુભાવો પધારે તેવી શકયતા : અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી નિષ્ણાત તજજ્ઞો આવશે : વિજ્ઞાન સાથે સંબંધિત વિષય ઉપર ચર્ચા

અમદાવાદ, તા.૨૬ : ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ(જીસીઆરઆઇ) અને એસોસીએશન ઓફ રેડિએશન ઓન કોલોજિસ્ટ્સ ગુજરાત ચેપ્ટર (એઆરઓઆઇ-ગુજરાત ચેપ્ટર) દ્વારા ભારતના સર્વપ્રથમ હેરિટેજ સીટી અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન એન્ડ એક્ઝીબીશન સેન્ટર ખાતે તા.૨૮ નવેમ્બર થી તા. ડિસેમ્બર, ૨૦૧૯ સુધી ૪૧માં વાર્ષિક પરિષદનું આયોજન થવા જઈ રહ્યું છે. એઆરઓઆઇની વાર્ષિક પરિષદો રેડિએશન ઓનકોલોજી તથા તેને સંબંધિત ક્ષેત્રોના ઉચ્ચકોટિના શેક્ષણિક કાર્યક્રમો છે. એઆરઓઆઇ ૨૦૧૯ ભારત અને વિદેશના વ્યાવસાયિકો કેન્સર સારવાર અને તકનીકી પ્રગતિયોંને લગતા વિવિધ વિષયો પર અસરકારક મંતવ્યો રજુ કરવા મંચ પૂરૂ પાડશે. ખૂબ મહત્વની ચાર દિવસીય પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો પણ હાજરી આપે તેવી શકયતા છે. એરોઇકોન-૨૦૧૯ ના ઓર્ગનીઝીંગ સેક્રેટરી ડો. પૂજા નંદવાણી પટેલે જણાવ્યું હતું કે, એરોઇકોન-૨૦૧૯ની સ્થાપના રેડિએશન ઓનકોલોજીના ઉદ્ભવ, ઉત્ક્રાંતિ, પુરાવા અને ભવિષ્યની થીમ પર કરવામાં આવી છે. તે રેડિએશન ઓનકોલોજીના ભૂતકાળમાં ફરી મુલાકાત લેવા, વર્તમાનને સમજવા અને ભવિષ્યની અપેક્ષાઓ માટેનો માર્ગ પૂરો પાડશે. આશરે ૧૫૦૦ થી વધારે રેજીસ્ટ્રેશન્સ અને ૫૧૨ એબ્સ્ટ્રેક્ટ સબમીશન પરથી જણાય છે કે, એઆરઓઆઇના સભ્યોનું ઉત્સાહ પણ એરોઇકોનના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. ડો.પટેલે વધુમાં ઉમેર્યું કે, ચાર દિવસીય વૈજ્ઞાનિક કાર્યક્રમોમાં જ્ઞાનવર્ધક સત્રોનો સમાવેશ થાય છે. રેડિએશન ઓનકોલોજીમાં અવનવા એડવાન્સીસ, સંશોધનો પર આંતરરાષ્ટ્રીય ખ્યાતિના ક્લીનીશ્યન્સ દ્વારા ઉંડાણપૂર્વક ચર્ચા પેનલોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવાદાસ્પદ મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચાઓ થશે જેથી સ્પષ્ટ સંમત્તિ સુધી પહોંચી શકાય. એરોઇકોન-૨૦૧૯ના ઓર્ગનાઇઝીંગ ચેરમેન ડો.યુ. સૂર્યનારાયણે જણાવ્યું કે, પરિષદ રેડિએશન ઓનકોલોજીના ઇતિહાસમાં એક અનોખી અને ક્રાંતિકારી ઘટના બનવા જઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઘણા ખ્યાતનામ વિશેષજ્ઞો વર્ષે એઆરઓઆઇ સાથે જોડાવા જઈ રહ્યા છે. વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ જેવી કે એમડી એન્ડે રસન - અમેરિકા, ગુસ્તાવેરોસી કેન્સર સંશોધન સંસ્થાન - ફ્રાન્સ, પીટર મેક્કલમ કેન્સર સેંટર-ઓસ્ટ્રેલિયા અને અન્ય સંસ્થાઓમાંથી લગભગ ૨૦ જેટલા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ૨૦ વિશષજ્ઞો પરિષદનો ભાગ બનવા અમદાવાદની ચાર દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પર્યાવરણની ચળવળને આગળ વધારવા પ્રેરણાદાયક પ્રોત્સાહન પૂરું પાડવા માટે એરોઇકોન-૨૦૧૯માં રજુ થનાર અભૂતપૂર્વ પ્રકાશનો અને પોસ્ટરો કાગળને બચાવવાં અને ગુજરાત સરકારની પર્યાવરણલક્ષી નીતિઓનું પાલન કરવાં ઇલેક્ટ્રોનીક ફોરમેટમાં ગોઠવાયેલ છે. અમદાવાદની ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થા (જીસીઆરઆઇ) ના ડિરેક્ટર અને એરોઇકોન-૨૦૧૯ના સહ-પેટ્રોન ડો.શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે , પ્રતિષ્ઠિત પરિષદનું આયોજન કરવું અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદમાં આયોજિત એરોઇકોન-૨૦૧૯ ભવિષ્યમાં થનાર પ્રકારના તમામ મેગા વૈજ્ઞાનિક-શેક્ષણિક કાર્યક્રમો માટે આધાર ચિહ્ન બનશે.

(9:46 pm IST)