Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહેસાણા બાયપાસ નજીક મધ્યરાત્રીએ યુવકની છરીના ઘા જીકી કરપીણ હત્યા થતા અરેરાટી

મહેસાણા: શહેરના બાયપાસ રોડ પર આવેલ પાંચોટ સર્કલ રાજફ્રાય સેન્ટર નામક ખાણીપીણીનાં સ્થળે રવિવારની મોડી રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે મહેસાણા તાલુકાના નાનીદાઉ ગામે આવેલા રેલવેપુરામાં રહેતા કિરણ વનરાજજી ઠાકોર(વાઘેલા)અને તેમના ભત્રીજા હીરાજી વીહાજી વાઘેલા ગયા હતા. અહીં અગાઉથી જમવા આવેલા શહેરના રાજીવ બિગ્રેડનગરમાં રહેતા મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી ઠાકોરે જમવાના પૈસા ચુકવવાના મુદ્દે કિરણ ઠાકોર સાથે તકરાર કરી હતી. અને રાજાપાઠમાં બિભત્સ ગાળો આપતાં મામલો એકાએક ઉગ્ર બની ગયો હતો. અને મનોજ ઠાકોરે ઉશ્કેરાઇ જઇ પોતાની કમરમાંથી છરી કાઢીને હીરાજી વાઘેલાના પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. છરીના જીવલેણ ઘાને કારણે હીરાજી લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડતાં સારવાર માટે મહેસાણામાં આવેલ નવજીવન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મહેસાણા બાયપાસ રોડ પર સર્જાયેલ હત્યાની ઘટના અંગે કિરણ ઠાકોરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી મનોજ વિરૃધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પીઆઇ એસ.બી.મોડીયા ચલાવી રહ્યા છે.

(6:02 pm IST)