Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

બાઈક ચાલકને બચાવવા જતા AMTS ઝાડ સાથે અથડાઈ

કાંકિરયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસેના બનાવથી ચકચાર : બસ ડ્રાઈવર અને મહિલાને થયેલી ઈજા : બસ ૧૫૧/૩ હાટકેશ્વર-ગોધાવી ગામ બસ ઝાડ સાથે ટકરાતા ઉત્તેજના

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે બીઆરટીએસ અને એએમટીએસની બસો દ્વારા કરવામાં આવતા અકસ્માતો વધી રહ્યા છે. પાંજરાપોળ પર બીઆરટીએસ બસે બે ભાઈઓને અડફેટે લીધા બાદ સમગ્ર શહેરમાં બીઆરટીએસ સામે રોષ જોવા મળ્યો હતો, ત્યારે આજે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ટુ વ્હીલર ચાલકને બચાવવા જતા એએમટીએસ બસ ૧૫૧/૩ હાટકેશ્વર-ગોધાવી ગામ બસ ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે ડ્રાઈવર કમલ જાનીને પગમાં અને એક વૃદ્ધાને માથાના ભાગે ઈજા થઈ હતી. જ્યારે બસના આગળનો કાચ તૂટી ગયો હતો અને બસના આગળના હિસ્સાને ખાસ્સુ નુકસાન થયુ હતુ. બીજીબાજુ, અકસ્માતમાં ઇજા પામેલા ડ્રાઇવર અને વૃધ્ધાને તાત્કાલિક ૧૦૮માં એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

                     આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે હાટકેશ્વર-ગોધાવી ગામ રૃટની એએમટીએસબસ ૧૫૧/૩ હતી. જો કે, બસની આગળ જઇ રહેલા એક મોટરસાયકલ ચાલકને બચાવવા જતાં ડ્રાઇવરને બસનું સ્ટીયરીંગ વાળવાની અચાનક ફરજ પડી હતી અને તેના કારણે બસ સીધી જ માર્ગની બાજુમાં વિશાળ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇ હતી અને તેના કારણે બસમાં બેઠેલા મુસાફરો ગભરાઇ ગયા હતા અને સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે કોઇ ગંભીર જાનહાનિ સર્જાઇ ન હતી, માત્ર બસના ડ્રાઇવર અને એક વૃધ્ધા પેસેન્જરને થોડી ઇજા થઇ હતી. જેના પગલે તેઓને તાત્કાલિક ૧૦૮ મારફતે નજીકની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા પણ દોડી આવ્યા હતા. જો કે, કોઇ મોટી જાનહાનિ નહી સર્જાતા મુસાફરોની સાથે સાથે એએમટીએસ સત્તાધીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

(8:38 pm IST)