Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સૈયદનાના ઉત્તરાધિકાર કેસમાં મહત્વપૂર્ણ ઉલટ તપાસ કરાઇ

સૈયદનાના ઉત્તરાધિકારી અંગે મુંબઇમાં સુનાવણીઃ ફરિયાદી સૈયદના ફખરૂદ્દીન દ્વારા ઉલટતપાસ દરમ્યાન ૨૦૦ પ્રશ્નના જવાબ આપ્યા : વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં

અમદાવાદ, તા.૨૨, દાઉદી વ્હોરાના સૈયદનાના ઉત્તરાધિકારી કોણ તે મુદ્દે મહત્વપૂર્ણ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી તાજેતરમાં મુંબઇ હાઇકોર્ટમાં હાથ ધરાઇ હતી, જેમાં ફરિયાદી સૈયદના તાહેર ફખરૂદ્દીનની ઉલટતપાસ કરાઇ હતી, તેમણે આશરે ૨૦૦ જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ફરિયાદી સૈયદના તાહેર ફખરૂદ્દીનના પુરાવાઓની નોંધણી બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. સમગ્ર દેશ અને દુનિયાના દાઉદી વ્હોરા સમાજના લોકોની નજર છે તેવા આ હાઇપ્રોફાઇલ કેસની વધુ સુનાવણી તા.૧૩,૧૪ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ મુકરર કરાઇ હતી. સ્વર્ગીય ૫૨ મા દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને તેમના અનુગામી તરીકે સૈયદના ખુઝૈમા કુતુબુદ્દીનને નીમ્યા હતા. જો કે, બુરહાનુદ્દીનના બીજા પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને દાઇના અનુગામી તરીકે તેમની નિયુકિત કરી હોવાનો દાવો કર્યો હતો. આ વિવાદ વચ્ચે સ્વર્ગીય દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના અનુગામી  સૈયદના ખુઝૈમા કુતુબુદ્દીનનું પણ નિધન થતાં તેમના પુત્ર સૈયદના તાહેર ફખરૂદ્દીનની તેમના પિતાના સ્થાને ફરિયાદી તરીકે તેમને દાખલ કરી કેસ આગળ ચલાવવામાં આવે તેવી કરેલી અરજી મુંબઇ હાઇકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલે અગાઉ ગ્રાહ્ય રાખતા હવે આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી આગળ વધી રહી છે. સમગ્ર દેશ અને વિશ્વના દાઉદી વ્હોરા સમાજના લોકોની નજર છે એવા મહત્વપૂર્ણ કેસની વિગતો એવી છે કે, ઇમામનું પ્રતિનિધિત્વ અને દાઉદી વ્હોરા કોમનું નેતૃત્વ કરતા ૫૨ મા દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને તા.૧૦-૧૨-૧૯૬૫ના રોજ તેમના નાના ભાઇ સૈયદના ખુઝૈમા કુતબુદ્દીનને પોતાના મનસુસ(અનુગામી) તરીકે નીમ્યા હતા પરંતુ તેમના અભિષેકની વાત ખાનગી રાખવા તેમને કહ્યું હતું. તા.૧૭-૧-૨૦૧૪માં દાઇ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અવસાન પામ્યા હતા. તે પહેલા જૂન ૨૦૧૧માં તેમને સ્ટ્રોકનો ગંભીર હુમલો આવતાં લડંનની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં તેમની સ્ટ્રોકના કારણે બોલી શકાય તેવી પણ હાલત ન હતી તેવા સમયે સૈયદના બુરહાનુદ્દીનના બીજા પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને દાવો કરી દીધો હતો કે, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને તેને પોતાના અનુગામી નીમી દીધા છે. એ વખતે સૈયદના ખુઝૈમા કુતબુદ્દીને એ દાવાને એટલે પડકાર્યો નહી કેમ કે, સૈયદના બુરહાનુદ્દીને તેમની અનુગામી તરીકે અગાઉ કરેલી નિયુકિતને ખાનગી રાખવા કહ્યું હતું અને  બીજું કે, કુતબુદ્દીનને આશા હતી કે, સૈયદના બુરહાનુદ્દીન સાજા થઇને દાઇ તરીકે તેમની નિમણૂંકની જાહેરાત કરશે પરંતુ દાઇ સૈયદના બુરહાનુદ્દીનના નિધન બાદ મુફદ્લ સૈફુદ્દીને દાઉદી વ્હોરા કોમનો વહીવટી તંત્રનો કબ્જો લઇ લીધો હતો. જેથી એપ્રિલ-૨૦૧૪માં સૈયદના ખુઝૈમા કુતબુદ્દીને પોતાને દાઇ તરીકે જાહેર કરવા દાદ માંગતી મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. એ દરમ્યાન ૨૦૧૬માં સૈયદના કુતબુદ્દીનનું પણ નિધન થતાં તેમના અનુગામી તરીકે પુત્ર સૈયદના તાહેર ફખરૂદ્દીન આ કેસમાં ફરિયાદી તરીકે દાખલ થયા હતા અને કેસ આગળ ધપાવવા અરજી કરાઇ હતી, જે મુંબઇ હાઇકોર્ટે અગાઉ ગ્રાહ્ય રાખતાં આ કેસની સુનાવણી તાજેતરમાં હાથ ધરાઇ. જેમાં સૌપ્રથમવાર ફરિયાદી સૈયદના તાહેર ફખરૂદ્દીન મુંબઇ હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને તેમની ઉલટતપાસ લેવાઇ હતી. તેમણે પ્રતિવાદી શેહઝાદા મુફદ્દલ સૈફુદ્દીનના વરિષ્ઠ વકીલો દ્વારા પૂછાયેલા આશરે ૨૦૦ જેટલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

(9:54 pm IST)