Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીના દોસ્ત બની ગયા

પશુપક્ષીના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો : એનિમલ કિપર તરીકે કામ કરવામાં આદિવાસી યુવતીઓ પણ અગ્રેસર, પશુપક્ષીઓની સસ્નેહ સારસંભાળ રાખે છે

ગાંધીનગર,તા.૨૧ : પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે ત્યાં બનાવવામાં આવેલા જંગલ સફારીનો પ્રવાસ આફ્રિકા કે કેન્યા ટૂરનો અહેસાસ કરાવશે. વળી, તમને જંગલ સફારી પાર્કમાં એક નહીં, અનેક મોગલી મળશે. તમને આશ્ચર્ય થયા વિના નહી રહે કે આ મોગલી એટલે કોણ ? મોગલી એટલે  એ ખૂબ જાણીતી બાળ કથાઓના નાયક જેવા જંગલ સફારીમાં એનિમલ કિપર તરીકે નોકરી કરી રહ્યા છે તેવા આદિવાસી યુવાનો જે હિંસક વન્ય પ્રાણીઓ અને નિર્દોષ પક્ષીઓના દિલોજાન દોસ્તાર બની ગયાં છે. દેશવિદેશના પશુઓ અને પક્ષીઓની સંભાળ રાખતા યુવાનોને તેમની સાથે એવો આત્મીય નાતો બંધાઇ ગયો છે  જે તમને બાળ કથાઓના જંગલ કી જાન જેવા મોગલીની પ્રતીતિ કરાવ્યા વિના રહે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં માત્ર ૬ માસના સમયગાળામાં ૩૭૫ એકરમાં જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં બનાવાયેલા એક્ન્લોઝર કુદરતી જંગલને આવરી લઇ બનાવવામાં આવ્યા છે. એથી ત્યાં રાખવામાં આવેલા પ્રાણીઓને જંગલનો માહોલ મળી રહે. જંગલ સફારી પાર્કમાં ૧૦૦ જાતના માંસાહારી અને તૃણાહારી મળી કુલ ૧૧૦૦ પશુપક્ષીઓ રાખવામાં આવ્યા છે. વિશ્વની સૌથી મોટી પક્ષીશાળા જંગલ સફારી પાર્કમાં છે. આકર્ષક વિદેશી પક્ષીઓનો અલગ ડોમ છે. આ જંગલ સફારી પાર્કના કારણે કેવડિયા આસપાસના ૧૫૦ જેટલા યુવાનોને સીધી રોજગારી મળી છે. સામાન્ય રીતે અત્યાર સુધી બહારના જિલ્લામાં રોજગારી માટે સ્થળાંતર કરી ગયેલા આદિવાસી યુવાનો ઘર આંગણે સારા પગારે નોકરી મળતા વતનમાં સુખદ ઘર વાપસી કરી શક્યા  છે. તેમાં ૬૭ યુવાનો એવા છે જે અત્યારે એનિમલ કિપર તરીકે કામ કરી રહ્યા છે. એનિમલ કિપર તરીકે  કામ કરી રહેલા યુવાનોને તમે મળો તો અચંબામાં મૂકાઇ જશો. જેમકે, પહેલા સામાન્ય પગારે કામ કરતા અને વન્ય જીવોના રેસ્કયના અનુભવી ધર્મેન્દ્ર બારિયા ગેંડાની સારસંભાળ રાખે છે. ગેંડાનું નામ મંગલ રાખવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર અને મંગલની ગાઢ દોસ્તી થઇ ગઇ છે. એ મંગલ એવો સાદ ધર્મેન્દ્ર પાડે તો મંગલભાઇ એક્ન્લોઝરના ગમે તે ખુણામાં હોય, દોડતા દોડતા ધર્મેન્દ્ર પાસે આવી જાય. એની સાથે લાડ લડાવે. આવું જ કામ મિત્રવર્તૃળમાં માઇકલ તરીકે ઓળખાતા ભદ્રેશ ડામોરનું છે.

(8:38 pm IST)