Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગાંધીનગર જિલ્લાના માણસાના યુવાનને કેનેડા મોકલવાના બહાને 29 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર:જિલ્લાના માણસાના યુવાનને કેનેડા મોકલવાના સપના દેખાડી ઈન્ફોસીટીમાં આવેલી આરકે ઈન્ટરનેશનલ સર્વિસના સંચાલકોએ અરમેનીયા મોકલીને ત્યાંથી પરત મોકલી દીધો હતો. ર૯ લાખ રૂપિયા મેળવી લીધા બાદ દબાણથી ર૩ લાખ પરત આપી દીધા હતા પરંતુ હજુ સુધી છ લાખ રૂપિયા નહીં મળતાં યુવાને ઈન્ફોસીટી પોલીસમાં ફરિયાદ આપી છે જેના પગલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.     

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે માણસા તાલુકાના અર્જુનપુરા ગામે રહેતા યુવાન વિરલ રમણલાલ પટેલને કેનેડામાં રહેતા તેના એક મિત્રએ કેનેડા આવવા માટે ઈન્ફોસીટીમાં આવેલી આરકે ઈન્ટરનેશનલ સર્વિસનો સંપર્ક કરવા કહયું હતું. જેના પગલે આ યુવાન ઓફીસમાં ગયો હતો જયાં સ્વપનીલભાઈ રામી અને નિસર્ગભાઈ રામીનો સંપર્ક થયો હતો. આ બન્ને વ્યક્તિઓએ કેનેડાની એક કંપનીમાં વર્ક પરમીટ કરાવી અને ત્રણ વર્ષ પછી પીઆર અપાવી દેવાની ખાતરી આપીને ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. યુવાનને પહેલા અરમેનીયા અને ત્યાંથી કેનેડા લઈ જવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ યુવાનને એક લાખ રૂપિયાના ડોલર ખરીદવા પણ કહેવામાં આવ્યું હતું. ગત તા.૧૭ નવેમ્બર ર૦૧૯ના રોજ સ્વપનીલ રામી યુવકને અમદાવાદ એરપોર્ટથી અરમેનીયા લઈ ગયો હતો. જયાં તેની સાથે અન્ય લોકો પણ કેનેડા જવા માટે આવ્યા હતા. ત્રણ-ચાર દિવસ અહીં રાખ્યા બાદ કેનેડાના વીઝા આવી ગયા હોવાનું કહેતા યુવાનના પરિવારજનોએ ગાંધીનગરમાં ર૯ લાખ રૂપિયા ચુકવી દીધા હતા. ત્યારબાદ વીઝા કેન્સલ થયા હોવાનું કહીને અરમેનીયાથી દીલ્હી અને અમદાવાદ વીરલને લાવી દીધો હતો. સ્વપ્નીલ ત્યાંથી નીકળી ગયો હતો. જેથી આ મામલે ઘરે પહોંચેલા યુવાને પરિવારજનોને સઘળી હકીકત જણાવી હતી અને ઈન્ફોસીટીમાં તપાસ કરતાં ઓફીસ પણ બંધ હાલતમાં જોવા મળી હતી. સ્વપનીલના મામાનો સંપર્ક કર્યા બાદ ટુકડે ટુકડે ર૩ લાખ રૂપિયા પરત આપી દીધા હતા. પરંતુ હજુ સુધી છ લાખ રૂપિયા પરત નહીં કરતા આ બન્ને શખ્સો સામે ઈન્ફોસીટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

(5:49 pm IST)