Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુરતના વેસુ રોડ નજીક જુગારધામ પર દરોડા પાડવા ગયેલ પોલીસના હાથમાં લાગ્યો 49હજારનો દારૂનો જથ્થો

સુરત: શહેરના વેસુની સુકુન રેસીડન્સીમાંથી પ્લાસ્ટિક બેગ મેન્યુફેક્ચરરને તીનપત્તી, ફુટબોલ, કેશીનો, ડ્રેગન ફીશીંગ અને ક્રિકેટ જેવી ગેમ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડવાની સાથે દારૂની 35 નંગ બોટલ કિંમત રૂા. 49,430નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
પીસીબીના હે.કો. સંતોષ સાહેબરાવને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વેસુ સ્થિત નંદનવન ટાઉનશીપ સામે સુકુન રેસીડન્સીમાં ફ્લેટ નં. બી 108માં રહેતા પ્લાસ્ટિક બેગના મેન્યુફેક્ચરર મુકેશ સંચયલાલ જૈન (ઉ.વ. 35 મૂળ રહે. ગંગાશહેર, તા. જિ. બિકાનેર, રાજસ્થાન) ને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી પોલીસે મુકેશને પોતાના એપલ આઇફોન 11માં સુરેશ નામના બુકી પાસેથી મેળવેલી માસ્ટર આઇ.ડી ઉપર પોતાનો ક્લાઇન્ટ આઇડી અને પાસવર્ડની મદદથી એક પોઇન્ટના 1 રૂપિયા લેખે તીનપત્તી, ફુટબોલ, કેશીનો, ડ્રેગન ફીશીંગ અને ક્રિકેટ જેવી ગેમ પર જુગાર રમતા ઝડપી પાડયો હતો. પોલીસે મુકેશના ફ્લેટમાં સર્ચ કરતા વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની 35 નંગ બોટલ કિંમત રૂા. 49,430નો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સંદર્ભે પોલીસે પુછપરછ કરતા પોતાને દારૂ પીવાનો શોખ હોવાથી દિલ્હી ખાતે રહેતા તેના મિત્ર સન્ની પાસેથી અલગ-અલગ સમયે ઉપરોકત દારૂની બોટલો મેળવી સંગ્રહ કર્યાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે મુકેશ જૈન વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે દારૂની બોટલ આપનાર દિલ્હીના સન્નીને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:48 pm IST)