Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમદાવાદના વાસણાના રાજયશ બિલ્‍ડીંગ ઉપરથી ઝંપલાવીને પાલડીના મેથ્‍સના જાણીતા શિક્ષક પાર્થ ટાંકે જીવનનો અંત આણ્‍યો

અમદાવાદ: વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી પાલડીના મેથ્સના જાણીતા શિક્ષક પાર્થ ટાંકે જીવનનો અંત આણ્યો છે. હાલ વાસણા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને કેટલાક સમયથી તેઓ સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હતા.

પાલડી ધરણીધર દેરાસર પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં પાર્થ જયંતીભાઈ ટાંક (ઉં,40)ના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પાર્થ ટાંક મેથ્સના જાણીતા શિક્ષક હતા. વિદ્યાર્થીઓ તેમનું ટ્યૂશન લેવા માટે પડાપડી કરતા હતા. પાલડી ધરણીધર દેરાસર નજીક મંગળતીર્થ કોમ્પ્લેક્સમાં પાર્થભાઈના “પાર્થ ટાંક ક્લાસીસ” નામથી ટ્યુશન કલાસીસ આવેલા છે.

પાર્થભાઈ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને સાઈકિયાટ્રીસ્ટ પાસે સારવાર લેતા હતા. વાસણાના રાજયશ કોમ્પ્લેક્સમાં આવેલી હેલ્થ કલબમાં પાર્થ ટાંક મેમ્બર હોવાથી રેગ્યુલર કસરત કરવા માટે જતા હતા. આજે સવારે પણ નિત્યક્રમ મુજબ પાર્થ ટાંકને કારમાં લઈને ડ્રાઈવર હેલ્થ કલબ જવા નીકળ્યો હતો.

સવારે 9 વાગ્યે મહિલાઓની શિફ્ટ શરૂ થવાની તૈયારી હતી. આ દરમિયાન અચાનક રાજયશ કોમ્પ્લેક્સમાં કોઈનો પટકાવવાનો અવાજ આવ્યો હતો. ડ્રાઈવર સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા, તો પાર્થ ટાંક જમીન પર પડ્યા હતા.

ડ્રાઇવરે બનાવની જાણ પરિવારને કરી હતી. વાસણા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અકસ્માત મોતની નોંધ કરી હતી. મૃતક પાર્થભાઈની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે વીએસ હોસ્પિટલ મોકલી આપી હતી.

પાર્થ ટાંકના પિતા જયતિભાઈએ જણાવ્યું કે, મારો પુત્ર ડિપ્રેશનમાં હતો. તેને બીજી કોઈ તકલીફ ન હતી. આ પગલું ક્યાં કારણોથી ભર્યું? તે સમજી શકાતું નથી.

(5:20 pm IST)