Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રિક્ષામાંથી પડેલી પૌત્રી બચાવવા જતાં દાદી પણ કૂદ્યાં, બંનેનાં મોત

ખેડા જિલ્લાના ઠાસરા-ડાકોર રોડ પરની ઘટના : ઠાસરાથી વ્યવહારિક કામ માટે ડાકોર જવા માટે રિક્ષામાં નિકળેલા વૃધ્ધા અને પૌત્રી અકસ્માતનો ભોગ બન્યા

નડિયાદ, તા. ૨૧ : ખેડા જિલ્લાના ઠાસરા-ડાકોર રોડ ઉપર ઠાસરા ગામની સીમમાં ત્રીરંગા વેબ્રિજની સામે એક પિયાગો રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા બેફિકરાઇ અને પુરઝડપે હંકારતા રિક્ષામાં બેઠેલ બાળકી રોડ ઉપર પટકાતા તેને બચાવવા જતા તેની દાદી પણ પટકાયા હતા. બાળકી પર રિક્ષાનું ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે વૃધ્ધાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ વૃધ્ધાને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. વજેવાડના દાદી અને પૌત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં ગામમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે રિક્ષાચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઠાસરા તાલુકાના વજેવાડ સીમ વિસ્તારમાં રહેતા વીણાબેન અરવિંદભાઇ ચાવડા, રઇબેન બુધાભાઇ ચાવડા તથા દિવ્યાબેન અમિતભાઇ ચાવડા રવિવારે સવારે વ્યવહારિક કામ અર્થે વિજોલ ગામે જવા નીકળ્યા હતા. તેઓ ઠાસરાથી એક પીયાગો રિક્ષામાં બેસી ડાકોર તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન આ રિક્ષા ઠાસરા ગામની સીમમાં ત્રિરંગા વેબ્રિજપાસેથી પસાર થતી હતી ત્યારે રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા બેફીકરાઇ અને પુર ઝડપે હંકારતા રિક્ષામાં બેઠેલ દિવ્યાબેન (ઉ.વ.૫) રોડ ઉપર પટકાતા તેને બચાવવા જતા તેના દાદી રઇબેન  પણ રોડ ઉપર પટકાયા હતા. રોડ ઉપર પટકાયેલ દિવ્યાબેન ઉપર રિક્ષાનું ટાયર ફરી વળતાં તેણીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે દાદી રઇબેનને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ રઇબેન ને ૧૦૮માં તાત્કાલીક સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રઇબેનને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રઇબેનનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ ગામના મહેશભાઇ અંદરભાઇ ચાવડાને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ વજેવાડ ગામમાં થતા ગામમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ બનાવ અંગે મહેશભાઇ ચાવડાની  ફરિયાદના આધારે ઠાસરા પોલીસે રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(8:36 pm IST)