Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમદાવાદમાં ઠંડી વધી જતા કોરોના વાયરસે માથું ઉચક્યું

પશ્ચિમ સહિતના ૫ ઝોનમાં કેસો વધ્યા : અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર વધતા વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસ વધવાની શરૂઆત થવા પામી છે

અમદાવાદ, તા. ૨૦ : શહેરમાં ઠંડીનું જોર વધતા જ વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાની શરૂઆત થવા પામી છે. જોકે તેમ છતાં મ્યુનિ. ચોપડે નજીવી સંખ્યા વધી છે. આટલું જ નહીં, આંકડા સેન્સર કરવાના આક્ષેપો સાચા ઠેરવતા હોય તેમ મ્યુનિ.તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં એક્ટિવ કેસના આંકડામાં આશ્ચર્યજનક સામ્યતા જોવા મળી હતી. મ્યુનિ. કચેરીમાં છૂટાછવાયા કેસ નોંધાવાનું ચાલુ છે અને હાલ કોલ્ડવેવ જેવી પરિસ્થિતના કારણે લોકોમાં શરદી-ખાંસીનું પણ પ્રમાણ જોવા મળી રહ્યું છે. એવામાં લોકોને ભય સતાવી રહ્યો છે. સાથે જ કોઈને કોરોના થાય તો પરિવાર અને પાડોશીઓને બચાવવા માટે શરૂઆતમાં કરવામાં આવતી નક્કર કાર્યવાહી હવે કરવામાં આવતી નથી, ઢીલાશ દાખવવાના કારણે અસંખ્ય કિસ્સામાં પરિવારનાં કોઈ એક વ્યક્તિને લક્ષણ બહાર આવે ત્યાં સુધીમાં અન્ય સદસ્યોને પણ ચેપ લાગી ગયો હોવાનું જણાય છે.

મ્યુનિ. કર્મચારી સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તથા કોવિડ કેર સેન્ટર અને હોમ આઈસોલેશનમાં રખાયેલા પોઝિટિવ પેશન્ટને ડિસ્ચાર્જ આપવાનું પ્રમાણ જાળવી રાખવામાં આવતું હોય તેમ આંકડા પરથી લાગી રહ્યું છે. એવામાં કર્મચારીઓ પણ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા બે આંકડામાં આવી જશે તેવી મજાક ઉડાવી રહ્યા છે.

એએમસીની યાદી મુજબ, શુક્રવારે ઉ. પશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં કોરોનાના ૩૯-૩૦ જેટલા એક્ટિવ કેસ વધ્યા હતા. પરંતુ મધ્ય અને પૂર્વ ઝોનના એક્ટિવ કેસની સંખ્યા ૨૫૩-૨૫૩ તેમ જ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના એક્ટિવ કેસોની સંખ્યા ૪૨૪-૪૨૪ ઉડીને આંખે વળગે તે રીતે એક જેવી દેખાઈ રહી છે. એવામાં આંકડા સેટ કરનારાથી ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ ને? એવા પણ કટાક્ષ કરાઈ રહ્યો છે. હાલમાં પશ્ચિમ, ઉ.પશ્ચિમ, દ.પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ કેસની સંખ્યા ૪૦૦ ઉપર નોંધાઈ રહી છે,જયારે પૂર્વ ઝોનમાં ૨૫૦ આસપાસ નોંધાય છે. આ દરમિયાન શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તમામ ઝોનના ડે. કમિશનર, હેલ્થ-સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંક્રમણ વધુ ન ફેલાય અને કેસ ન વધે તેની તકેદારી રાખવાની સૂચના અપાઈ હતી. સાથે જ હાલના ૩૩ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર અમલમાં છે, તેમાંથી ૬ને બાદ કરતા હવે ૨૭ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર અલમાં રહ્યા છે.

(9:10 pm IST)