Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જાળીલા ખાતે ઉપસરપંચની હત્યામાં વધુ ચારની ધરપકડ

પોલીસ દ્વારા કુલ આઠ આરોપીઓની ધરપકડ : માંગ ન સ્વીકારાય તો પરિવારજનોની આત્મવિલોપનની ચિમકી : રમણલાલ વોરાનો મામલો થાળે પાડવા પ્રયાસ

અમદાવાદ,તા.૨૦ : બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચની હત્યાના ચકચારભર્યા પ્રકરણમાં રાજકારણ બહુ જોરદાર ગરમાયા બાદ પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આમ, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. જો કે, બીજીબાજુ, ઉપસરપંચની હત્યાને લઇ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને છ માંગો સરકાર સમક્ષ મૂકી છે. સરકારને બે કલાકનું અલ્ટિમેટમ પરિવારજનો દ્વારા આપવામાં આવ્યું છે. જો બે કલાકમાં સરકાર તેમની છ માગ પૂરી નહીં કરે તો મૃતદેહને સચિવાલય લઇ જશે અને આત્મવિલોપન કરવાની ચિમકી પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જો કે, પરિવારજનો લાશ સ્વીકારી લે એ માટે પોલીસ અને આગેવાનો દ્વારા સમજાવવાના જોરદાર પ્રયાસો કરાયા હતા. ભાજપના નેતા રમણલાલ વોરા સહિતના ટોચના નેતાઓ, આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પરિવારજનોને સમજાવટના અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં ધારી સફળતા મળી ન હતી, જેને લઇ રાજકારણ જોરદાર રીતે ગરમાયું હતું. બીજી તરફ મંત્રી ઇશ્વર પરમારે પણ પરિવારજનોએ કરેલી માગણીઓનું સુખદ નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચ મનજી સોલંકીની સરેઆમ હત્યાને લઇને દલિત આગેવાનો અને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, જેસીપી અમિત વિશ્વકર્મા, ડીસીપી નીરજ બડગુજર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. બેઠકમાં પરિવારજનો દ્વારા કરવામાં આવેલી છ માગણીઓને લઇને ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર ચાલ્યો હતો.  પરિવારજનોએ માંગ કરી છે કે, પરિવારને સુરક્ષા આપવામાં આવે, હથિયાર રાખવાનો પરવાનો આપવામાં આવે, કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે, સુરક્ષા પાછી ખેંચનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પસંદગીના સરકારી વકીલ રાખવા દેવામાં આવે તેમજ અગાઉના બોટાદમાં ચાલી રહેલા કેસોની ડે ટૂ ડે તપાસ થાય તે માટે કેસોની અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે આ છ માંગો સાથે અત્યારે પરિવારજનો સિવિલ હોસ્પિટલની બહાર ધરણા પર બેઠાં હતા. ભાવનગરના રેન્જ આઇજી અશોક યાદવ અને કલેક્ટર સુજીત કુમારે મૃતકના પત્ની સાથે મુલાકાત કરી હતી અને ચર્ચા કરી હતી. દરમ્યાન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, હત્યારાઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ પાંચ ટીમ બનાવી છે. પરિવાર તરફથી કરવામાં આવેલી તમામ માગણીઓનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે.  જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યા કેસમાં મામલો ગંભીર બની ગયો હતો. જેને લઇને ભાજપના દલિત આગેવાન અને પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરાએ આ મામલે દરમિયાનગીરી કરીને ડેમજ કન્ટ્રોલરની ભૂમિકા ભજવી ઘટનાને રાજકીય સ્વરૂપ ન આપવા માટેની અપીલ ગ્રામજનોને કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તા.૧૯ જૂનના રોજ બપોરે ૧ વાગ્યાની આસપાસ તેના પિતા મનજીભાઈ સોલંકી( જાળીલા ગ્રામપંચાયતના ઉપસરપંચ) બાઇક લઇ જાળીલા બરવાળા રોડ પર જાળીલાથી દોઢ કિ.મી.ના અંતરે પહોંચ્યા હતા. જે દરમિયાન ફોર વ્હીલ ગાડીમાં આવેલા ૬ શખ્સોએ મનજીભાઈને નીચે પાડી દીધા હતા અને તેમના પર પાઈપો, લાકડીઓ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્તને સૌપ્રથમ ધંધુકાની આર.એમ.એસ હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજયુ હતું. મૃતકનું પીએમ અમદાવાદ સિવિલમાં કરવામાં આવ્યું હતું. આ અંગે રાણપુર પોલીસે મૃતક મનજીભાઈના પુત્રની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(7:47 pm IST)