Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

શહેરમાં વધુ નવ બગીચાઓ પીપીપી ધોરણ પર જળવાશે

અમૂલ પાર્લર થર્ડ પાર્ટીને ભાડે અપાયાની ફરિયાદ : અમૂલ સંચાલિત ૭૫થી વધુ બગીચામાં ફરિયાદો વ્યાપક બનતાં અમદાવાદ કોર્પોરેશન તંત્ર દ્વારા નોટિસ ફટકારાઇ

અમદાવાદ,તા.૧૯  : મદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન, તિલક બાગ સહિતના વધુ નવ બગીચાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પીપીપી ધોરણે જાળવણી માટે ખાનગી કોર્પોરેટ કંપનીને સંચાલન માટે સોંપી દેવાયા છે. જો કે, અમૂલ સંચાલિત ૭૫ બગીચાઓમાં એક યા બીજા પ્રકારની ગંભીર ફરિયાદો ઉઠવા પામતાં અમ્યુકો તંત્ર દ્વારા તેઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે. તો, અમૂલના પાર્લર પણ થર્ડ પાર્ટીને ભાડે આપી દેવાતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠતી હોઇ આ મામલે પણ ઉંડી તપાસની માંગ ઉઠવા પામી છે. મેગાસીટી અમદાવાદમાં ગણ્યાગાંઠયા બગીચાઓને બાદ કરતાં મોટાભાગના બાગ-બગીચાઓની હાલત ખરાબ છે. દાયકાથી પણ વધુ સમયથી અમૂલ કંપનીને શહેરના મોટાભાગના બગીચા મેન્ટેનન્સ માટે અપાયા છે પરંતુ તેમછતાં ઘણા ધાંધિયા અને એક યા બીજા પ્રકારની ફરિયાદો સતત સામે આવતી રહી છે. અમૂલ દ્વારા બગીચાઓની યોગ્ય જાળવણી નહી થતી હોવાની ફરિયાદો ગંભીર રીતે ઉઠી રહી છે. અમદાવાદ શહેરમાં અમ્યુકોની માલિકીના કુલ ૨૪૧ બગીચાઓ આવેલા છે. જે પૈકી અમૂલને ૨૩૨ બગીચાની જાળવણી સોંપી દેવાઇ છે. જેની સામે અમૂલને જે તે બગીચામાં નિયત ક્ષેત્રફળમાં પાર્લર બનાવવાની છૂટ અપાઇ છે પરંતુ આ પાર્લરનું સંચાલન અને કબજો પણ ઘણા કિસ્સામાં બીજી કે ત્રીજી થર્ડ પાર્ટીને ભાડેથી આપી દેવાતી હોવાની ગંભીર ફરિયાદો પણ સામે આવી રહી છે ત્યારે અમ્યુકો દ્વારા ૭૫ થી વધુ બગીચાઓને અમ્યુકો તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બીજીબાજુ, શહેરના તિલક બાગ, પરિમલ ગાર્ડન, માણેકબાગ, રાણીપ, સિંધુભવન રોડ પરના બે બગીચા, થલતેજીમાં બાદશાહ વિલા અને જાહનવી બંગલો પાસેનો બગીચો એમ વધુ નવ બગીચાઓ અમ્યુકો તંત્ર દ્વારા ખાનગી કંપનીઓને જાળવણી માટે પીપીપી ધોરણે સોંપાયા છે. જોે કે, તેની જાળવણી ખરા અર્થમાં થશે કે કેમ તેને લઇને પણ અત્યારથી જ સવાલો ઉઠી રહ્યા છે.

(9:15 pm IST)